National

પરિણામ પહેલા જ મુખ્યમંત્રી હટાવવું સંકેત કે સંયોગ? CM વિજયનનો બાયો બદલાવથી ચર્ચા ગરમ

કેરળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો જાહેર થવાના થોડા સમય પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન એક નાનકડા પરંતુ મહત્વના કારણસર ચર્ચામાં આવી ગયા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી મુખ્યમંત્રી શબ્દ હટાવી દીધો છે. આ ફેરફારને લઈને રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ છે.હવે તેમના બાયોમાં “પોલિટ બ્યુરો સભ્ય, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) લખાયેલું જોવા મળે છે. પરિણામ જાહેર થવાના પહેલા જ આ પ્રકારનો બદલાવ કરવો સામાન્ય છે કે કોઈ રાજકીય સંકેત આપે છે, તે અંગે અલગ-અલગ મત સામે આવી રહ્યા છે. કેટલાક લોકો માને છે કે આ પગલું સત્તા પરિવર્તનની સંભાવના દર્શાવે છે, જ્યારે કેટલાકનું કહેવું છે કે આ માત્ર એક સામાન્ય અપડેટ હોઈ શકે છે. મહત્વની વાત એ છે કે આ મુદ્દે અત્યાર સુધી પિનરાઈ વિજયન કે તેમની પાર્ટી CPI(M) તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેથી આ મુદ્દો વધુ ચર્ચાનો વિષય બન્યો છે.

પિનરાઈ વિજયન ધર્મદમ વિધાનસભા બેઠક પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર તેમની સામે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) તરફથી વીપી અબ્દુલ રશીદ અને ભાજપ તરફથી કે. રંજીત ઉમેદવાર છે. 2021ની ચૂંટણીમાં વિજયનને લગભગ 59.8 ટકા મત મળ્યા હતા અને તેમણે સરળતાથી જીત મેળવી હતી. તે પહેલાં 2016માં પણ તેમણે આ બેઠક પરથી લગભગ 30,000 મતોના અંતરથી જીત મેળવી હતી. પરંતુ આ વખતે રાજકીય પરિસ્થિતિ થોડું બદલાતી દેખાઈ રહી છે. વિવિધ એક્ઝિટ પોલ અનુસાર, રાજ્યમાં ડાબેરી લોકશાહી મોરચા (LDF)ને નુકસાન થવાની શક્યતા છે. ઘણા સર્વેક્ષણોમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDFને આગળ બતાવવામાં આવી રહ્યું છે. કેટલાક અનુમાન મુજબ UDFને સ્પષ્ટ બહુમતી પણ મળી શકે છે. બીજી તરફ ભાજપના નેતૃત્વ હેઠળનું NDA ગઠબંધન મર્યાદિત બેઠકો પર સીમિત રહી શકે છે.

આ તમામ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી દ્વારા સોશિયલ મીડિયા બાયોમાં કરાયેલો બદલાવ રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. પરિણામ પહેલા જ આ પ્રકારની હરકતથી લોકોમાં સવાલો ઊભા થયા છે કે શું ખરેખર સત્તા બદલાવની શક્યતા છે કે પછી આ માત્ર સંયોગ છે. 4 મેના રોજ કેરળ સાથે સાથે તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો પણ જાહેર થવાના છે. તેથી સમગ્ર દેશની નજર આ દિવસ પર છે. હવે પરિણામો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે કે આ બાયો બદલાવ કોઈ સંકેત હતો કે માત્ર એક સામાન્ય ઘટના.

Most Popular

To Top