ભારતીય ક્રિકેટ અને બિઝનેસ જગતમાં એક મોટો સોદો પાર પડયો છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના પરિવાર અને સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO આદર પૂનાવાલાએ સંયુક્ત રીતે IPL ટીમ રાજસ્થાન રોયલ્સ ખરીદવાનો નિર્ણય લીધો છે. આ સોદાની કિંમત અંદાજે 15,653 કરોડ (લગભગ 1.65 બિલિયન ડોલર) છે, જે IPLના ઇતિહાસમાં સૌથી મોટા સોદાઓમાંનો એક ગણાય છે. મિત્તલ પરિવાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, લક્ષ્મી મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય મિત્તલે મનોજ બડાલે અને આદર પૂનાવાલા સાથે મળીને આ સોદો કર્યો છે. નવા ગઠબંધન હેઠળ રાજસ્થાન રોયલ્સનું પુનર્ગઠન કરવામાં આવશે. નવા બોર્ડમાં લક્ષ્મી મિત્તલ, આદિત્ય મિત્તલ, વનિષા મિત્તલ, આદર પૂનાવાલા અને મનોજ બડાલે જેવા મોટા નામો સામેલ રહેશે.
લક્ષ્મી મિત્તલે આ સોદા અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે તેમને ક્રિકેટ ખૂબ ગમે છે અને તેમનો પરિવાર રાજસ્થાન સાથે જોડાયેલો છે, તેથી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાવું તેમના માટે ખાસ છે. બીજી તરફ, આદિત્ય મિત્તલે જણાવ્યું કે રાજસ્થાન રોયલ્સ નવી પ્રતિભાને તક આપતી ટીમ તરીકે જાણીતી છે અને તેઓ આ પરંપરા આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. આદર પૂનાવાલાએ પણ ટીમ સાથે જોડાવાને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો અને ટીમને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો. તેમણે ખેલાડીઓ, કોચ અને ચાહકોનો પણ આભાર માન્યો હતો.
આ સોદામાં થયેલા કરાર મુજબ, મિત્તલ પરિવાર રાજસ્થાન રોયલ્સમાં લગભગ 75% હિસ્સો રાખશે, જ્યારે આદર પૂનાવાલા પાસે લગભગ 18% હિસ્સો રહેશે. બાકીના 7% હિસ્સા મનોજ બડાલે અને અન્ય વર્તમાન રોકાણકારો પાસે રહેશે. ખાસ વાત એ છે કે આ પહેલા પણ રાજસ્થાન રોયલ્સને વેચવાનો પ્રયાસ થયો હતો. ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ કાલ સોમાણીના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમે ટીમને લગભગ 15,000 કરોડમાં ખરીદવાનો સોદો કર્યો હતો, પરંતુ નાણાકીય મુશ્કેલીઓને કારણે તે ડીલ પૂર્ણ થઈ શકી નહોતી. નવા સોદામાં માત્ર રાજસ્થાન રોયલ્સની IPL ટીમ જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી અન્ય ટીમો જેમ કે પર્લ રોયલ્સ અને બાર્બાડોસ રોયલ્સ પણ સામેલ છે. એટલે કે, હવે આ તમામ ટીમોનો નિયંત્રણ નવા માલિકો પાસે રહેશે.
જોકે, આ સોદો હજી સંપૂર્ણ રીતે પૂર્ણ થયો નથી. તેને BCCI, IPL ગવર્નિંગ કાઉન્સિલ, સ્પર્ધા આયોગ (CCI) અને અન્ય નિયમનકારી સંસ્થાઓની મંજૂરી મળવી જરૂરી છે. અપેક્ષા છે કે આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2026ના ત્રીજા ત્રિમાસિક (Q3) સુધી સોદો આખરે પૂર્ણ થઈ જશે. આ સોદો IPLના વધતા વ્યાપ અને તેની વૈશ્વિક લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે. મોટા ઉદ્યોગપતિઓ હવે ક્રિકેટમાં રોકાણ કરીને તેને એક વૈશ્વિક બ્રાન્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સ માટે આ નવો અધ્યાય ટીમને વધુ મજબૂત બનાવી શકે છે.