સુરત રેલવે સ્ટેશનની બહાર ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં ગણાતા રેલવે સ્ટેશનની બહાર ગેરકાયદેસર રીતે ધંધો કરતા કેટલાક ફેરિયાઓના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નજીવી બાબતે થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે એક વેપારી પર લોખંડના સળિયા અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જાહેરમાં બનેલી આ ઘટનાએ મુસાફરો અને સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાવી દીધી હતી. મળતી માહિતી મુજબ, રેલવે સ્ટેશનની સામેના વિસ્તારમાં વિનોદ કુમાર શર્મા નામના વેપારી વર્ષોથી લોચો અને પોહા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. બીજી તરફ અનિલ નામનો વ્યક્તિ સાયકલ પર ગુટખા, પાન મસાલા અને અન્ય વસ્તુઓનું વેચાણ કરે છે. બંને વચ્ચે પાણીની બોટલોના હિસાબને લઈને વિવાદ સર્જાયો હતો.
ઘટનાની મળતી માહિતી અનુસાર અનિલે વિનોદ કુમાર પાસેથી પાણીની બોટલોની પેટી લીધી હતી. ત્યારબાદ પૈસાના હિસાબ અંગે વાત કરવા વિનોદ અનિલ પાસે પહોંચ્યો હતો. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ થોડી જ વારમાં વાત ઉગ્ર બની ગઈ. આરોપ છે કે અનિલ ગાળો બોલવા લાગ્યો અને ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે અનિલનો પુત્ર પણ ત્યાં આવી પહોંચ્યો હતો. પિતા અને પુત્ર બંનેએ મળીને વિનોદ કુમાર પર હુમલો કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ હુમલા દરમિયાન લોખંડના સળિયા અને લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અનિલના પુત્રે વિનોદના માથામાં લોખંડનો સળિયો ફટકાર્યો હતો, જેના કારણે તેનું માથું ફાટી ગયું હતું અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. આટલેથી પણ હુમલો અટક્યો નહોતો. પિતા-પુત્ર બંનેએ મળીને વિનોદ પર સતત હુમલો ચાલુ રાખ્યો હતો. રસ્તા પર ખુલ્લેઆમ ચાલી રહેલા આ હિંસક દ્રશ્યો જોઈને આસપાસ ઉભેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રેલવે સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોવાથી ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં વિનોદ કુમાર શર્માએ તાત્કાલિક 112 ઈમરજન્સી હેલ્પલાઈન પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સાથે જ 108 એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલો કરનાર અનિલ અને તેના પુત્રની અટકાયત કરી લીધી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને હુમલાના ચોક્કસ કારણો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ રેલવે સ્ટેશનની બહાર ચાલી રહેલી કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ તરફ પણ ધ્યાન દોર્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સ્ટેશનની બહાર કેટલાક લારી અને ગલ્લા ચલાવતા લોકો ધંધાની આડમાં નશીલા પદાર્થોનું સેવન કરતા હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. ખાસ કરીને ‘સોલ્યુશન’ સૂંઘીને નશો કરવાની પ્રવૃત્તિ અંગે અનેકવાર ફરિયાદો ઉઠી છે. ઘટના સમયે પણ આસપાસના લોકોમાં એવી ચર્ચા હતી કે હુમલો કરનાર યુવક નશાની હાલતમાં હતો અને તેણે ઉશ્કેરાટમાં આવીને હુમલો કર્યો હતો. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
સ્થાનિક રિક્ષાચાલકો, વેપારીઓ અને મુસાફરોનું કહેવું છે કે રેલવે સ્ટેશનની બહાર ગેરકાયદેસર રીતે ધંધો કરતા તત્વો સામે નિયમિત કાર્યવાહી થવી જોઈએ. તેઓનું માનવું છે કે આવા તત્વોના કારણે મુસાફરોની સુરક્ષા જોખમાય છે અને સ્ટેશન જેવા મહત્વના વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધે છે. સુરત રેલવે સ્ટેશન શહેરનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે, જ્યાં દરરોજ હજારો લોકો આવન-જાવન કરે છે. આવા વિસ્તારમાં સરેઆમ હુમલા અને હિંસક ઘટનાઓ બનવી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે. સ્થાનિકોએ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, કડક ચેકિંગ અને ગેરકાયદેસર ધંધાઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.