ગાંધીનગર,
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકો (હેડ ટીચર)ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) પાસ ઉમેદવારો માટે રાહતરૂપ નિર્ણય લેતા વિભાગે કુલ 1808 મુખ્ય શિક્ષક (વર્ગ-3)ની ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાનો આદેશ કર્યો છે.શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ મુખ્ય શિક્ષકોની ભરતી 1:1:2ના રેશિયો મુજબ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં સીધી ભરતી, બઢતી અને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા એમ ત્રણ માધ્યમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીધી ભરતી હેઠળ નિયમો મુજબ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જ્યારે શાળાઓમાં ફરજ બજાવી રહેલા અનુભવી શિક્ષકોને બઢતીનો લાભ મળશે. ઉપરાંત વિભાગીય સ્તરે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને પણ ભરતી કરવામાં આવશે.
શિક્ષણ વિભાગે શિક્ષણ નિયામક કચેરીને ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી છે. ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું તૈયાર કરી સમયમર્યાદામાં પરીક્ષા અને ભરતી પૂર્ણ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025-26ના અંદાજપત્રમાં મુખ્ય શિક્ષક (વર્ગ-3)ની ખાલી જગ્યાઓ ભરવા માટે જરૂરી નાણાકીય જોગવાઈને મંજૂરી આપવામાં આવી હતી. હવે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી 1808 જગ્યાઓ પર ભરતી થવાથી શિક્ષણ વ્યવસ્થાને મજબૂતી મળશે અને લાંબા સમયથી રાહ જોઈ રહેલા એચટેટ (HTAT) પાસ ઉમેદવારોને તક મળશે.