India

પૂરા પ્લાનિંગ સાથે હત્યા થઈ, ગુંડાઓનો સફાયો કરી દઈશું, PAની હત્યા બાદ શુભેન્દુ અધિકારીનો મોટો દાવો

પશ્ચિમ બંગાળમાં ભાજપના દિગ્ગજ નેતા અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીના નજીકના સહયોગી ચંદ્રનાથ રથની હત્યા બાદ રાજ્યનું રાજકારણ ગરમાઈ ગયું છે. બુધવારે મોડી રાત્રે મધ્યમગ્રામ વિસ્તારમાં થયેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવ્યો છે. ભાજપે આ હુમલાને પૂર્વનિયોજિત રાજકીય હત્યા ગણાવી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે પણ ઘટનાની નિંદા કરીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ગુરુવારે શુભેન્દુ અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ચંદ્રનાથ રથની હત્યા કોઈ સામાન્ય ગુનો નથી, પરંતુ સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવેલી ઘટના છે. તેમણે દાવો કર્યો કે હુમલાખોરોએ છેલ્લા ઘણા દિવસોથી રેકી કરી હતી અને યોગ્ય સમય જોઈ હુમલો કર્યો હતો. શુભેન્દુએ કહ્યું કે હવે રાજ્યમાં ગુંડાગીરી અને રાજકીય આતંકનો અંત લાવવો જરૂરી છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે “અમે અહીંના ગુંડાઓનો સફાયો કરી દઈશું.”

જોકે, તેમણે પોતાના કાર્યકરો અને સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ પણ કરી હતી. શુભેન્દુએ જણાવ્યું કે ગુસ્સામાં આવીને કાયદો હાથમાં લેવો યોગ્ય નથી. રાજ્યના DGPએ તેમને ખાતરી આપી છે કે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને આરોપીઓને ઝડપવામાં આવશે. શુભેન્દુ અધિકારીએ વધુમાં આરોપ લગાવ્યો કે માત્ર ચંદ્રનાથ રથ જ નહીં, પરંતુ ભાજપના અન્ય કાર્યકરો પર પણ હુમલાઓ થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે બશીરહાટમાં એક ભાજપ કાર્યકરને ગોળી મારવામાં આવી હતી અને બારાનગરમાં અન્ય એક કાર્યકર પર ચપ્પુથી હુમલો થયો હતો. ભાજપનું માનવું છે કે ચૂંટણીના પરિણામો બાદ રાજકીય બદલાની ભાવનાથી આવા હુમલાઓ થઈ રહ્યા છે.

ભાજપના નેતા કૌસ્તવ બાગચીએ કહ્યું કે ચંદ્રનાથ રથની કારનો લાંબા સમય સુધી પીછો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હુમલાખોરોએ રસ્તો રોકીને નજીકથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તેમણે આ હુમલાને સુનિયોજિત કાવતરું ગણાવ્યું. ભાજપના અન્ય નેતાઓએ પણ આરોપ લગાવ્યો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ બની ગઈ છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસે પણ આ ઘટનાની નિંદા કરી છે. પાર્ટીએ કોર્ટની દેખરેખ હેઠળ CBI તપાસની માંગ કરી છે. TMCએ જણાવ્યું કે લોકશાહીમાં રાજકીય હિંસા માટે કોઈ સ્થાન નથી અને ચૂંટણી બાદ તેમના ઘણા કાર્યકરો પણ હિંસાનો ભોગ બન્યા છે.

પોલીસ તપાસમાં કેટલીક મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. પશ્ચિમ બંગાળના DGP સિદ્ધનાથ ગુપ્તાના જણાવ્યા અનુસાર, હુમલામાં વપરાયેલી ગાડીની નંબર પ્લેટ નકલી હતી. પોલીસને ઘટનાસ્થળેથી ખાલી કારતૂસ અને જીવતા કારતૂસ પણ મળ્યા છે. હાલ આસપાસના CCTV ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાઓના આધારે આરોપીઓને શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ચંદ્રનાથ રથ પર હુમલો બુધવારે મોડી રાત્રે થયો હતો. તેઓ કારમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા હુમલાખોરોએ તેમની કાર રોકી અને નજીકથી ગોળીઓ ચલાવી હતી. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હુમલામાં તેમના ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાએ પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય હિંસા અને કાયદો-વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કર્યા છે. ભાજપ અને TMC વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે, જ્યારે લોકો હવે આ કેસમાં ઝડપી અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top