National

બંગાળમાં ફરી રાજકીય હિંસા, શુભેન્દુ અધિકારીના નજીકના BJP નેતા પર જીવલેણ હુમલો

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ પણ વિરોધી પક્ષોના નેતાઓ પર હુમલા અને ધમકીઓના આરોપો સતત સામે આવી રહ્યા છે. હવે મેદિનીપુર જિલ્લાના પાંશકુડા વિસ્તારમાં ભાજપના નેતા અને શુભેન્દુ અધિકારીના નજીકના ગણાતા પ્રોસેનજીત મંડલ પર જીવલેણ હુમલો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાને લઈને રાજ્યનું રાજકારણ ફરી ગરમાયું છે. ભાજપ નેતા પ્રોસેનજીત મંડલે આરોપ લગાવ્યો છે કે તેઓ દક્ષિણ ચચિયારા રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમને રોકી લીધા હતા. મંડલના જણાવ્યા મુજબ હુમલાખોરો તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. પહેલા તેમને ઘેરી લેવામાં આવ્યા અને ત્યારબાદ બંદૂકના કૂંદાથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી દંડા વડે પણ માર મારવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું છે.

પ્રોસેનજીત મંડલે વધુમાં દાવો કર્યો કે હુમલાખોરોએ તેમને બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે જો તેઓ રાજકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તો તાજેતરમાં હુમલામાં માર્યા ગયેલા મુખ્યમંત્રીના ખાનગી સચિવ ચંદ્રનાથ રથ જેવી હાલત કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી. જોકે હુમલા દરમિયાન તેઓ કોઈ રીતે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

ઘટના બાદ ભાજપ નેતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને કેટલાક લોકોના નામ પણ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભાજપે આ હુમલાને રાજકીય બદલો ગણાવ્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ તરફથી હજુ સુધી આ મામલે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે આ ઘટનાએ પશ્ચિમ બંગાળમાં ફરી કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉભા કર્યા છે. રાજ્યમાં સતત વધી રહેલા રાજકીય હુમલાઓને કારણે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેનો રાજકીય સંઘર્ષ વધુ તેજ બનતો જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top