ચંદીગઢના શહીદ ભગતસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇન્ડિગોની ફ્લાઇટ હૈદરાબાદથી ચંદીગઢ પહોંચ્યા બાદ થોડા જ સમયમાં એક મુસાફરની પાવર બેંકમાં અચાનક વિસ્ફોટ થયો. આ ઘટનાથી ફ્લાઇટની અંદર ગભરાટ અને અફરાતફરી ફેલાઈ ગઈ. માહિતી મુજબ, ફ્લાઇટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગઈ હતી અને મુસાફરો પોતાની સીટમાંથી ઊભા થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક એક પાવર બેંકમાંથી ધડાકો થયો અને ધુમાડો સાથે આગ લાગી ગઈ. આ જોઈને મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો અને કેટલાક લોકો ચીસો પાડતા જોવા મળ્યા હતા.
પરિસ્થિતિને સમજતા જ કેબિન ક્રૂએ તરત જ કામગીરી શરૂ કરી. તેઓએ આગ બુઝાવવાના સાધનોનો ઉપયોગ કરીને થોડી જ મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો. ત્યારબાદ સુરક્ષાના ભાગરૂપે તમામ મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. આ દુર્ઘટનામાં કુલ 5 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. તેમને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તમામની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ ફ્લાઇટની અંદર ધુમાડો ફેલાઈ જતાં સ્થિતિ થોડા સમય માટે વધુ ગંભીર બની ગઈ હતી.
હાલમાં પાવર બેંકમાં વિસ્ફોટ કેમ થયો તે અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રાથમિક રીતે માનવામાં આવે છે કે ટેક્નિકલ ખામી અથવા ઓવરહિટિંગને કારણે આ ઘટના બની હોઈ શકે છે. એર ટ્રાવેલ દરમિયાન ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ઉપયોગ અંગે સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને પાવર બેંક જેવી વસ્તુઓને યોગ્ય રીતે હેન્ડલ કરવી અને નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.