Top News Main

US સુધી ગૂંજી બંગાળની જીત! ટ્રમ્પે મોદીને આપી શુભેચ્છા, વિદેશી મીડિયાએ મોદી-ભાજપની સફળતાને કેવી રીતે જોયું?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ભવ્ય જીતનો પડઘો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સંભળાયો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઐતિહાસિક વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. લગભગ અડધા સદી બાદ બંગાળની સત્તામાં મોટો ફેરફાર થયો છે, જે રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં વર્ષો સુધી ડાબેરી અને બાદમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું પ્રભુત્વ રહ્યું હતું. 2011 સુધી CPI(M)એ 35 વર્ષ સુધી રાજ્ય પર શાસન કર્યું, ત્યારબાદ મમતા બેનર્જીની TMCએ લગભગ 15 વર્ષ સત્તા સંભાળી. પરંતુ આ વખતની ચૂંટણીમાં BJPએ મજબૂત પ્રદર્શન કરીને સત્તા હસ્તગત કરી છે, જેને ઐતિહાસિક પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં જાહેર થયેલા પરિણામો અનુસાર, 294 સભ્યોની વિધાનસભામાંથી 293 બેઠકો માટે મતગણતરી થઈ હતી, જેમાં BJPએ 200થી વધુ બેઠકો જીતવાનો માઇલસ્ટોન હાંસલ કર્યો. પાર્ટીએ અંદાજે 206-207 બેઠકો જીતતા સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ, TMCને માત્ર આશરે 80 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસ અને અન્ય નાના પક્ષોને મર્યાદિત સફળતા મળી છે. આ જીત BJP માટે માત્ર એક રાજ્યમાં સત્તા મેળવવાની વાત નથી, પરંતુ તે પાર્ટીના વિસ્તરણ અને વધતા પ્રભાવનું પ્રતીક પણ છે. ખાસ કરીને પૂર્વ ભારત જેવા વિસ્તારમાં, જ્યાં પહેલા BJPનો પ્રભાવ ઓછો હતો, ત્યાં આ જીત રાજકીય સમીકરણો બદલી શકે છે.

આ સમગ્ર પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપતાં વ્હાઇટ હાઉસ તરફથી જણાવાયું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીના નેતૃત્વની પ્રશંસા કરી છે. અગાઉ થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારત માટે મોદી જેવા નેતા હોવું ગૌરવની બાબત છે. સાથે જ, બંગાળમાં મળેલી આ જીતને ટ્રમ્પે ઐતિહાસિક અને નિર્ણાયક ગણાવી છે. આ પરિણામોથી ભારતના રાજકીય દ્રશ્યમાં મોટા ફેરફારો થવાની સંભાવનાઓ વધી ગઈ છે. ભારતની તાજેતરની ચૂંટણીના પરિણામો હવે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરના મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીતને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે.

બ્રિટનની સમાચાર એજન્સી રોયટર્સના મતે, ભાજપની આ જીત અનેક રીતે મહત્વપૂર્ણ છે. આ પરિણામથી યુનિફોર્મ સિવિલ કોડ જેવી મહત્વની નીતિઓને આગળ વધારવામાં મદદ મળી શકે છે અને 2029ની લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે મજબૂત પાયો તૈયાર થયો છે. બીબીસીએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ભાજપે બંગાળ જેવા કઠિન રાજકીય ગઢમાં જીત મેળવી છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય પ્રભુત્વની એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. આ જીતથી તેમના હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાને પણ નવી ગતિ મળશે. જર્મન મીડિયા ડીડબ્લ્યુએ આ જીતને ભાજપ માટે ઐતિહાસિક ગણાવી છે અને જણાવ્યું છે કે હવે પાર્ટી અન્ય વિપક્ષ શાસિત રાજ્યોમાં પણ પોતાની પકડ મજબૂત કરવા પર ધ્યાન આપશે. તુર્કીના TRT વર્લ્ડે આ ચૂંટણીને લઈને મતદાર યાદી સંબંધિત વિવાદોને પણ ઉઠાવ્યા છે અને જણાવ્યું છે કે મતગણતરી એવા સમયે થઈ રહી છે જ્યારે ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉભા થયા છે. યુએઈના ગલ્ફ ન્યૂઝે આ જીતને ભાજપ માટે મોટી સફળતા અને તૃણમૂલ કોંગ્રેસ માટે મોટો ઝટકો ગણાવ્યો છે, કારણ કે વર્ષોથી બંગાળમાં જગ્યા બનાવવા માટેના પ્રયાસો હવે સફળ થયા છે. જ્યારે બાંગ્લાદેશના અખબાર પ્રથમ આલોએ ચિંતાજનક દૃષ્ટિકોણ રજૂ કરતાં લખ્યું છે કે આ પરિણામ માત્ર એક રાજ્ય માટે જ નહીં પરંતુ ભારતના લોકશાહી ભવિષ્ય માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Most Popular

To Top