Vadodara

વડોદરા પાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ

વડાપ્રધાનના આગમનની તૈયારીઓ અને પ્રી-મોન્સૂન કામગીરી પર અપાયો ભાર

વિશ્વામિત્રીનું ડિસેલ્ટિંગ, હેરિટેજ ઇમારતોનું સંરક્ષણ અને દર મહિને 5000 ગેસ કનેક્શન આપવા કમિશનરની સૂચના

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી સાપ્તાહિક રિવ્યુ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને આગામી મહત્વના કાર્યક્રમોને લઈને વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા આગામી 11મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત વડોદરા પ્રવાસની પૂર્વ તૈયારીઓ અને ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા કરવાનો રહ્યો હતો. કમિશનરે તમામ વિભાગીય અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ માઈક્રો પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને એરપોર્ટથી ગોલ્ડન ચોકડી સુધીના રૂટ પર સફાઈ, રસ્તાના સમારકામ અને દબાણો હટાવવાની કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે. હાઈવે ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં પણ પાલિકાના સહયોગથી એન્જિનિયરિંગ અને બ્યુટિફિકેશનના કામો યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આદેશો અપાયા છે.
​ચોમાસાની ઋતુ નજીક હોવાથી પ્રી-મોન્સૂન કામગીરી પર વિશેષ ભાર મૂકતા કમિશનરે જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઈનોની સફાઈ પ્રક્રિયા ચાલુ છે. શહેરમાં ગટર ઉભરાવાની કે પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે જેટિંગ મશીનો અને ડ્રેજર્સ દ્વારા સઘન ક્લીનિંગ કરવામાં આવી રહ્યું છે. વિશ્વામિત્રી નદીમાં પણ જરૂરી ડિસેલ્ટિંગ અને બ્લોકેજ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે, જેથી પૂર જેવી સ્થિતિમાં પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે. પર્યાવરણની જાળવણી માટે ‘મિશન વન મિલિયન ટ્રી’ અંતર્ગત વધુ પ્લાન્ટેશન અને હીટ હોટસ્પોટ્સ પર વૃક્ષારોપણનું આયોજન છે. આ ઉપરાંત જળ સંરક્ષણ માટે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અપનાવવા ખાનગી સંસ્થાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.
​વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવતા કમિશનરે આગામી દિવસોમાં નવા ફાયર સ્ટેશનો, અતિથિગૃહ, સ્વિમિંગ પુલ અને સ્પોર્ટ્સ સંકુલના પ્રોજેક્ટ્સ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા 450 મકાનોના ડ્રોની તૈયારીઓ અને નવા 10000 આવાસોના ડીપીઆર અંગે પણ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. પાઈપ લાઈન દ્વારા ગેસ કનેક્શનની સંખ્યા વધારીને દર મહિને 5000 સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક વડોદરા ગેસ લિમિટેડને સોંપવામાં આવ્યું છે. શહેરના ઐતિહાસિક ન્યાય મંદિર અને સૂર્યનારાયણ મંદિર જેવા હેરિટેજ સ્થળોની જાળવણી અને સુરક્ષા માટે ગ્રીલ તથા દિવાલ બનાવવાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આમ, વહીવટી તંત્ર વડાપ્રધાનના સ્વાગત અને ચોમાસાની સજ્જતા એમ બંને મોરચે સક્રિય બન્યું છે.

Most Popular

To Top