Entertainment

લવ, લાફ્ટર અને ફેમિલી બોન્ડિંગ, સોશિયલ મીડિયા પર છવાયો સેઠી પરિવાર: ક્યૂટ સ્વાગતનો વીડિયો ચર્ચામાં

બોલિવુડની જાણીતી અભિનેત્રી અને ‘કોમેડી ક્વીન’ તરીકે ઓળખાતી અર્ચના પૂરન સિંહનો પરિવાર હંમેશા પોતાના મસ્તીભર્યા અને પ્રેમાળ અંદાજ માટે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમના ઘરમાં ફરી એકવાર ખુશીઓનો માહોલ જોવા મળ્યો છે. કારણ છે તેમના નાના દીકરા આયુષ્માન સેઠીની ગર્લફ્રેન્ડ સમીક્ષાનું પરિવાર સાથે રહેવા માટે શિફ્ટ થવું. આ ખાસ પળને અર્ચનાએ પોતાના વ્લોગમાં કેદ કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પરિવારના દરેક સભ્યનો ઉત્સાહ અને ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. જ્યારે સમીક્ષા ઘરે પહોંચે છે, ત્યારે આયુષ્માન તેને ખુશીમાં ઉંચકી અંદર લઈ જાય છે. આ દ્રશ્ય જોઈને અર્ચના તાળીઓ પાડી આનંદ વ્યક્ત કરે છે. સમગ્ર પરિવાર ખૂબ જ ઉષ્માભેર અને પ્રેમથી સમીક્ષાનું સ્વાગત કરે છે.

એકદમ પરિવારના સભ્યની જેમ કરવામાં આવેલા સ્વાગતને કારણે આ વીડિયો ફેન્સને ખૂબ ગમ્યો છે. લોકો આ પળને રીયલ લવ અને ફેમિલી બોન્ડિંગનું ઉત્તમ ઉદાહરણ કહી રહ્યા છે. વિડિયોમાં એક મજેદાર પળ પણ જોવા મળી હતી, જે ખાસ કરીને લોકોનું ધ્યાન ખેંચી રહી છે. જ્યારે સમીક્ષા પોતાનું સામાન લઈને આવી રહી હતી, ત્યારે એક મોટી કોફી મશીન પણ દેખાઈ. મજાકમાં સમીક્ષાએ કેમેરા સામે કહ્યું કે ‘આ દેહેજ છે.’ આ વાત સાંભળીને આખો પરિવાર હસી પડે છે. આયુષ્માનના ભાઈએ પણ મજાકમાં કહ્યું કે આ મશીન પપ્પાને ખૂબ કામ લાગશે. આ નાનકડો મજાકીય ક્ષણ વીડિયોમાં ખાસ બની ગયો છે અને સોશિયલ મીડિયા પર લોકો તેને ખૂબ એન્જોય કરી રહ્યા છે. ફેન્સે આ સીનને ખૂબ ક્યૂટ અને રિલેટેબલ ગણાવ્યો છે.

આ પહેલા તેમના મોટા દીકરા આર્યમન સેઠીની ગર્લફ્રેન્ડ યોગિતા બિહાની પણ પરિવાર સાથે રહેવા આવી હતી. તે વખતે પણ પરિવારે એ જ પ્રેમ અને સ્વીકાર બતાવ્યો હતો. અર્ચના પૂરન સિંહનો પરિવાર આધુનિક વિચારધારાને અપનાવે છે અને સંબંધોને ખુલ્લા દિલથી સ્વીકારે છે. તેઓ પોતાના બાળકોના નિર્ણયોનો સન્માન કરે છે અને તેમના જીવનમાં ખુશીઓ ઉમેરવાનો પ્રયત્ન કરે છે. અર્ચના પૂરન સિંહ અને તેમના પરિવારનો આ અંદાજ ફરી એકવાર લોકોને ગમી ગયો છે. તેમના વ્લોગ્સ માત્ર મનોરંજન પૂરું પાડતા નથી, પરંતુ સંબંધો, સ્વીકાર અને ખુશીઓની સાચી સમજ પણ આપે છે.

Most Popular

To Top