India

અલીબાગમાં EDનો મોટો એક્શન

₹88.47 એકર જમીન પર EDની કાર્યવાહી;2,434 કરોડના ફંડમાં કથિત નાણાકીય ગેરરીતિ અને ફંડની કિંમત ઓછી દર્શાવવાના આરોપોની તપાસ તેજ,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગના કેસમાં મહારાષ્ટ્રના અલીબાગમાં મોટી કાર્યવાહી કરી છે. EDના મુંબઈ ઝોનલ ઓફિસ-2એ જય કોર્પ લિમિટેડ અને અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા કેસમાં 88.47 એકર જમીનને પ્રોવિઝનલ રીતે અટેચ કરી છે. આ જમીનની વર્તમાન બજાર કિંમત આશરે ₹336 કરોડ હોવાનું તપાસ એજન્સીએ જણાવ્યું છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી છે. કેસમાં જય કોર્પ ઉપરાંત અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વેન્ચર કેપિટલ લિમિટેડ, અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટીઝ લિમિટેડ અને અન્ય સંસ્થાઓ તપાસના દાયરામાં છે.

EDની તપાસ CBIની ઈકોનોમિક ઓફેન્સિસ બ્રાન્ચ, મુંબઈ દ્વારા નોંધાયેલી FIRના આધારે શરૂ થઈ હતી. આ FIR બોમ્બે હાઈકોર્ટના 31 જાન્યુઆરી 2025ના આદેશ બાદ નોંધાઈ હતી. સમગ્ર કેસમાં નાણાકીય ગેરરીતિ, ફંડના કથિત ડાયવર્ઝન અને મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીનો દાવો છે કે આ મામલાની કડી વર્ષ 2006-07માં શરૂ કરવામાં આવેલા અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વેન્ચર કેપિટલ ફંડ (UIVCF) સાથે જોડાયેલી છે.EDના જણાવ્યા અનુસાર, આ ફંડ દ્વારા જાહેર ક્ષેત્રની બેન્કો અને અન્ય સરકારી નાણાકીય સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં રોકાણકારો પાસેથી આશરે ₹2,434 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ રકમ દેશના વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે અનેક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ (SPVs)માં રોકવામાં આવી હતી.

તપાસમાં આરોપ છે કે SEBIની મંજૂરી લીધા વિના ફંડની મુદત નિર્ધારિત સમયમર્યાદાથી આગળ વધારવામાં આવી હતી. ત્યારબાદ SEBI દ્વારા ફંડ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો અને રોકાણકારોને બહાર નીકળવાની તક આપવા માટે SPVમાં રહેલી સંપત્તિનું સ્વતંત્ર મૂલ્યાંકન કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેમજ EDનો આરોપ છે કે UIVCFના મેનેજમેન્ટની કથિત મિલીભગતથી કેટલાક SPVમાં ફંડના હિસ્સાની વાસ્તવિક કિંમત ઓછી દર્શાવવામાં આવી હતી. તપાસ મુજબ આ હિસ્સાની કિંમત આશરે ₹269.20 કરોડ દર્શાવવામાં આવી હતી, જેના કારણે રોકાણકારોને કથિત રીતે ઓછી કિંમત પર બહાર નીકળવાની તક આપવામાં આવી. ત્યારબાદ ફંડની બાકી રહેલી યુનિટ્સ જય કોર્પના પ્રમોટરો સાથે જોડાયેલી પાંચ સંસ્થાઓએ કથિત રીતે ઓછી કિંમતે હસ્તગત કરી હતી.

આ કેસમાં નીલકંઠ ટાઉનશિપ એન્ડ કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની SPV પણ તપાસ હેઠળ છે. EDના જણાવ્યા મુજબ, UIVCFએ આ કંપનીમાં આશરે ₹51 કરોડનું રોકાણ કર્યું હતું અને આ રકમનો ઉપયોગ અલીબાગમાં જમીન ખરીદવા માટે થયો હતો. એજન્સીનો આરોપ છે કે આ SPVમાં ફંડના હિસ્સાની વાસ્તવિક બજાર કિંમત ઓછી દર્શાવીને જય કોર્પના પ્રમોટરો સાથે જોડાયેલી પાંચ સંસ્થાઓએ આ યુનિટ્સ ઓછી કિંમતે મેળવી હતી. ED મુજબ આ વ્યવહારમાંથી આશરે ₹230 કરોડની કથિત અપરાધથી મેળવેલી આવક ઊભી થઈ હતી.EDએ અગાઉ પણ આ કેસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ કાર્યવાહી દરમિયાન આશરે ₹1.86 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી. ઉપરાંત આશરે ₹99.47 કરોડના ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સને ફ્રીઝ કરવામાં આવ્યા હતા. હવે અલીબાગની 88.47 એકર જમીનની વર્તમાન કિંમત ₹336 કરોડ હોવાના આધારે તેને પ્રોવિઝનલ અટેચમેન્ટ હેઠળ લેવામાં આવી છે, હાલ આ સમગ્ર મામલે EDની તપાસ ચાલુ છે. એજન્સી દ્વારા લગાવવામાં આવેલા આરોપો તપાસનો ભાગ છે અને અંતિમ જવાબદારી કોર્ટની કાર્યવાહી તથા પુરાવાના આધારે નક્કી થશે. અલીબાગની કરોડો રૂપિયાની જમીન પર થયેલી આ કાર્યવાહીથી જય કોર્પ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસ વધુ ગંભીર તબક્કામાં પહોંચી છે.

Most Popular

To Top