Business

ફ્લાયદુબઈ પર હુમલો: આ કાવતરા પાછળ કોણ છે?

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ એફઝેડ1073ના પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છારને તેમની બહાદુરી માટે વૈશ્વિક સ્તરે બિરદાવવામાં આવી રહ્યા છે. તેમના સહ-પાઇલટે વિમાનને ક્રેશ કરવાના ઇરાદાથી તેમના પર છરી વડે હુમલો કર્યો હતો, જેની સામે લડીને તેમણે વિમાનને મોટી દુર્ઘટનામાંથી બચાવી લીધું હતું. કેપ્ટન મચ્છારનું સૌથી મહત્ત્વપૂર્ણ પગલું એ હતું કે અનેક ઘા વાગ્યા છતાં તેમણે હુમલાખોર સહ-પાઇલટ સામે વળતી લડત આપી. તેમણે એલાર્મ વગાડતી વખતે કોકપિટનો બંધ દરવાજો ખોલ્યો. જ્યારે વિમાન માત્ર સેકન્ડોમાં આશરે 14,000 ફૂટ નીચે પટકાયું હતું, તે જ સમયે કેટલાક મુસાફરોએ કંઈક અસામાન્ય કર્યું. સંભવતઃ કોકપિટમાં ચાલી રહેલો હોબાળો સાંભળીને તેઓ હસ્તક્ષેપ કરવા માટે ફ્લાઇટ ડેક તરફ આગળ વધ્યાં. મચ્છારે દરવાજો ખોલતાં જ તેઓ કોકપિટમાં ઘૂસી ગયાં અને હુમલાખોર સહ-પાઇલટને કાબૂમાં લેવામાં મદદ કરી. કેટલાંક મુસાફરો અને ક્રૂ દ્વારા સહ-પાઇલટના હાથ હેડફોનના કેબલ સહિત હાથમાં આવેલી કોઈ પણ ચીજવસ્તુથી બાંધીને તેને કાબૂમાં લેવામાં આવ્યો હતો.

દરમિયાન, એક મુસાફર, જે વ્યવસાયે ડેન્ટિસ્ટ હતા, તેમણે ગંભીર રીતે ઘાયલ થયેલા મચ્છારની સારવાર કરી. અન્ય એક મુસાફર, જે વ્યવસાયે પ્લમ્બર છે, તેવા યાનિવ હાયૌને વિમાનનો આગળનો ભાગ નીચે તરફ નમેલો હતો ત્યારે થોડા સમય માટે વિમાનનાં નિયંત્રણો પોતાના હાથમાં લીધાં. હાયૌને ક્યારેય વિમાન ઉડાડ્યું ન હતું, પરંતુ તેણે એર ક્રેશ ઇન્વેસ્ટિગેશન પરની એક લોકપ્રિય ટેલિવિઝન સિરીઝ જોઈ હતી. તેણે દેખીતી રીતે બે કામ કર્યાં. તેણે કો-પાઇલટને કોકપિટમાંથી બહાર ધકેલી દીધો અને યોક (સ્ટિયરિંગ વ્હીલ જેવું ઉપકરણ) ઉપર ખેંચ્યું. કારણ કે વિમાન એટલા જોરથી નીચે તરફ ગોથાં મારી રહ્યું હતું અને વિમાનના પાછળના ભાગેથી રડર ફાટી ગયું હતું. કેટલાક અહેવાલો મુજબ, તેણે વિમાનને ત્યાં સુધી સમતલ કર્યું જ્યાં સુધી વિમાનમાં હાજર અન્ય પાઇલટો હસ્તક્ષેપ કરી શકે અને નિયંત્રણ સંભાળી શકે.

તે કેવળ નસીબની વાત હતી કે ફ્લાયદુબઈના બે પાઇલટો ઓફ-ડ્યુટી અથવા રિલીફ ફ્લાઇટ ક્રૂ તરીકે વિમાનમાં હાજર હતા. ઓફ-ડ્યુટી પાઇલટો મુસાફરો તરીકે મુસાફરી કરે છે, કારણ કે તેઓ પાછળથી કોઈ ફ્લાઇટનું સંચાલન કરવા માટે નિર્ધારિત હોય છે. તેમણે સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કર્યું. જો વિમાનમાં પાઇલટોનો બીજો સમૂહ ન હોત તો પરિણામ સંભવતઃ વિનાશક હોત.

ફ્લાઇટ એફઝેડ1073 પર શું બન્યું તેની ઘણી વિગતો હજી પણ અસ્પષ્ટ છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સરકાર ફ્લાયદુબઈની માલિકી ધરાવે છે. તપાસકર્તાઓ હુમલાખોરના હેતુઓની તપાસ કરી રહ્યા છે, જેમાં તે કોઈ દેશ કે સશસ્ત્ર જૂથ સાથે જોડાયેલો હતો કે કેમ તેની પણ તપાસ સામેલ છે. તેમણે સહ-પાઇલટની ઓળખ ઓમાની નાગરિક હમામ અલ-હમ્મામી તરીકે કરી છે. તેણે ક્રેશ કુહાડી (વિમાનમાં ઇમરજન્સી સ્થિતિમાં રાખવામાં આવતી કુહાડી) વડે મચ્છાર પર હુમલો કર્યો હતો.

પ્રશ્ન એ છે કે ઇઝરાયેલી ગુપ્તચર સંસ્થા આ સહ-પાઇલટને ઓળખવામાં કેવી રીતે નિષ્ફળ ગઈ? ગુપ્તચર એજન્સી મોસાદે તેની અવગણના કેમ કરી? ખાડી દેશોથી ઇઝરાયેલ જતાં વિમાનો માટે કડક નિયમો લાગુ છે. ફ્લાયદુબઈ સાથેના કરાર હેઠળ, ઇઝરાયેલ ઉડાન ભરતા પાઇલટો એવા દેશોના નાગરિક હોવા જોઈએ, જેની સાથે ઇઝરાયેલના ડિપ્લોમેટિક સંબંધો છે. ઓમાન અને ઇઝરાયેલના આવા કોઈ સંબંધો નથી; તો પછી ઓમાની સહ-પાઇલટ વિમાન કેવી રીતે ઉડાવી શક્યો? મોસાદ આવા તમામ ક્રૂની કડક તપાસ કરે છે. જ્યારે ફ્લાઇટે દુબઈથી ઉડાન ભરી ત્યારે તેઓએ સ્પષ્ટ થવું જોઈતું હતું કે સહ-પાઇલટ ઉડાન ભરી શકે નહીં. બેદરકારી ક્યાં થઈ? તે કેવી રીતે થયું? સત્ય જલદી બહાર આવવું જોઈએ.

29 વર્ષીય અલ-હમ્મામીએ તેનો ઘણો સમય સીરિયામાં વિતાવ્યો હતો, જ્યાં તે કથિત રીતે આતંકવાદી વિચારોથી પ્રભાવિત થયો હતો. તેનો જન્મ યુએઈમાં ઓમાની પિતા અને સીરિયન માતાને ત્યાં થયો હતો. ઓમાને અલ-હમ્મામીના આતંકવાદી વિચારોના કારણે તેને ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ઇઝરાયેલમાં સહ-પાઇલટના ઇરાદાઓ વિશે બહુ ઓછી શંકા છે. ઇઝરાયેલી ગુપ્તચર અહેવાલને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે અલ-હમ્મામીએ પહેલા કેપ્ટનને મારવાની અને પછી ફ્લાઇટનું નિયંત્રણ સંભાળીને તેને તેલ અવીવ તરફ દોરી જવાની યોજના બનાવી હતી, જ્યાં તે શહેરની ગગનચુંબી ઇમારતો સાથે અથડાવીને ક્રેશ કરી દેત. અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે તેણે એટલી ઝડપથી કાર્યવાહી કરવાની યોજના બનાવી હતી કે ફાઇટર જેટ્સ પાસે વિમાનને અટકાવવા માટે કોઈ સમય ન હોય કે સત્તાવાળાઓ પાસે વાટાઘાટો શરૂ કરવાનો સમય ન હોય.

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે સહ-પાઇલટ ‘ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત’ હતો અને જણાવ્યું હતું કે ઇઝરાયેલી તપાસકર્તાઓને સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પરથી પુરાવા મળ્યા છે કે તે યહૂદીઓને મારવા માંગતો હતો. આતંકવાદના નિષ્ણાતોનું કહેવું છે કે આવા હુમલામાં સામેલ થઈ શકે તેવું સૌથી સ્પષ્ટ જૂથ યમન સ્થિત અલ-કાયદા ઇન ધ અરેબિયન પેનિન્સુલા (એક્યુએપી) હશે. વિમાનોને નીચે પાડવાના પ્રયાસોનો તેનો ઇતિહાસ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે એક્યુએપીએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે હિંસા ફેલાવવા અથવા પ્રેરણા આપવા માટે પ્રયાસ કર્યો હતો. તેણે ફ્લાયદુબઈ વિમાનના અપહરણના નિષ્ફળ પ્રયાસ પર ટિપ્પણી કરતું એક સાપ્તાહિક પ્રકાશન ‘અલ-બયાન’માં તંત્રીલેખ બહાર પાડ્યો છે. આ જૂથે આ ઘટનામાં સામેલ ઓમાની સહ-પાઇલટની પ્રશંસા કરી છે અને યુએસ અને ઇઝરાયેલી એરલાઇન્સને નિશાન બનાવતા સમાન હુમલાઓને પ્રોત્સાહન આપ્યું છે.

આનાથી એવિએશન સુરક્ષા માટે અનેક સવાલો ઊભા થાય છે. પાઇલટની સ્ક્રીનિંગ (તપાસ) વિશે પણ સવાલો છે. આ એરલાઇન્સ માટે ખર્ચાળ હોઈ શકે છે અને જો માનસિક બીમારી અથવા આતંકવાદી વિચારોને ઉજાગર કરતી ટેસ્ટમાં પાઇલટ નિષ્ફળ જાય તો એરલાઇન્સને પૂરતા પાઇલોટો ન મળે. પાઇલટો એવા રૂટ્સ પર ઉડાન ભરવામાં અનિચ્છા અનુભવી શકે છે, જ્યાં તેઓ વધુ તપાસમાંથી પસાર થાય છે અને કેટલાક પાઇલટ ઉડાન ભરવાથી રોકાઈ જવાના (ગ્રાઉન્ડ થવાના) ડરથી શારીરિક અથવા માનસિક સમસ્યાઓ છુપાવી શકે છે. આ ઘટનાથી ઇઝરાયેલમાં સુરક્ષાની ચિંતાઓ વધી ગઈ છે. કારણ કે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા થયેલા ઘાતક હુમલાને (જેનાથી ગાઝા યુદ્ધ શરૂ થયું હતું) ત્રણ વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે અને આ મહિનાના અંતમાં સામાન્ય ચૂંટણી પણ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top