National

મતદાર યાદીમાંથી નામ હટાવવાના મુદ્દે ચૂંટણી પંચ ઘેરાયું, જસ્ટિસ નરીમાને સુપ્રીમને દખલની અપીલ કરી

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને વરિષ્ઠ જસ્ટિસ રોહિંટન ફલી નરીમાને લાખો મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવવાના મુદ્દે આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે નાગરિકોને ગેરકાયદે રીતે મતદાર યાદીમાંથી બહાર કરી દેવામાં આવે તો લોકશાહી માટે મોટું જોખમ ઊભું થાય છે. મત આપવાનો અધિકાર લોકશાહીનું હૃદય છે અને તેને કોઈપણ રીતે નુકસાન પહોંચાડવું ગંભીર બાબત છે. તેમણે આશા વ્યક્ત કરી કે સુપ્રીમ કોર્ટ આ મામલે દખલ કરીને વ્યવસ્થામાં સુધારા માટે જરૂરી પગલાં લેશે.

રાજકોટમાં રાજકુમાર કોલેજના એક કાર્યક્રમમાં જસ્ટિસ રોહિંટન નરીમાને ચૂંટણી પંચની કામગીરી અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે યોગ્ય રીતે કામ નહીં કરનારા ચૂંટણી પંચને સહન કરી શકાય નહીં. તેમના મતે હાલમાં નાગરિકોના મતદાનના અધિકાર સામે ગંભીર ખતરો ઊભો થયો છે.

જસ્ટિસ નરીમાને પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાંથી નામ હટાવવાના મુદ્દાને ઉદાહરણ તરીકે રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં આશરે 90 લાખ મતદારો મતદાનના અધિકારથી વંચિત રહી ગયા હતા. તેમાંથી લગભગ 22 લાખ મતદારોએ પોતાના નામ અંગે અપીલ કરી હતી, જ્યારે બાકીના લોકો અપીલ કરી શક્યા ન હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે જે લોકો અપીલ સુધી પહોંચી શક્યા નથી, તેમાં એવા લોકો પણ હોઈ શકે છે જેઓ ગરીબી અથવા અન્ય કારણોસર કાયદાકીય પ્રક્રિયા સુધી પહોંચી શક્યા ન હોય.

અપીલ કરનારા 22 લાખ મતદારોમાંથી આશરે એક લાખ મામલામાં નિર્ણય આવ્યો હતો. તેમાં લગભગ 93 ટકા કેસમાં મતદારોની તરફેણમાં નિર્ણય આવ્યો હતો. જસ્ટિસ નરીમાને આ આંકડાને આધારે સવાલ ઉઠાવ્યો કે જો આટલી મોટી સંખ્યામાં મતદારોની અપીલ માન્ય ઠરે છે તો તેમને શરૂઆતમાં મતદાર યાદીમાંથી કયા આધારે બહાર કરવામાં આવ્યા હતા. તેમના મતે આ બાબત દર્શાવે છે કે મોટી સંખ્યામાં કાયદેસર મતદારોને પણ મતદાનથી દૂર રાખવામાં આવ્યા હતા.

જસ્ટિસ નરીમાને કહ્યું કે ભારતના નાગરિકોને ગેરકાયદે રીતે મત આપવાથી રોકવામાં આવે અને તેના પરિણામે સરકાર પોતાની ઇચ્છા મુજબનું ચૂંટણી પરિણામ મેળવી શકે, તો તે લોકશાહી માટે અત્યંત ગંભીર સ્થિતિ છે. તેમણે કહ્યું કે આવું પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળ્યું છે. તેમના મતે મતદાનનો અધિકાર માત્ર એક સામાન્ય અધિકાર નથી, પરંતુ લોકશાહી વ્યવસ્થાનો મૂળ આધાર છે.

ચૂંટણી પંચની આંતરિક કામગીરી અંગે પણ જસ્ટિસ નરીમાને ગંભીર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી પંચના બે ચૂંટણી કમિશનરોએ અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કેટલાક નિર્ણયો સામે સવાલો ઉઠાવ્યા હતા. હવે જ્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે ત્યારે ત્રણેય ચૂંટણી કમિશનરો એકસાથે આવી ગયા છે. તેમણે આ સ્થિતિને દેશ માટે નુકસાનકારક ગણાવી હતી.

હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સુપ્રીમ કોર્ટમાં અરજીની સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાન બાદ પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રોહિંટન નરીમાનની ટિપ્પણીએ પણ ચૂંટણી પંચની કામગીરી અંગે ચર્ચા વધુ તેજ કરી છે. જસ્ટિસ નરીમાને સુપ્રીમ કોર્ટને આ સમગ્ર મામલે દખલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

તેમણે સ્પષ્ટપણે કહ્યું કે નાગરિકોને મતદાનના અધિકારથી વંચિત રાખવાથી લોકશાહીનું મૂળ માળખું નબળું પડે છે. મતદાર યાદીમાં કોઈ વ્યક્તિનું નામ કાયદેસર રીતે હોવા છતાં તેને ચૂંટણી પહેલાં યાદીમાંથી બહાર કરી દેવામાં આવે અને બાદમાં અપીલ દરમિયાન તે વ્યક્તિનો દાવો સાચો સાબિત થાય, તો આવી પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. જસ્ટિસ નરીમાનના મતે આવી સ્થિતિને માત્ર વહીવટી ભૂલ તરીકે જોવી યોગ્ય નથી, કારણ કે તેનો સીધો સંબંધ નાગરિકના મતદાનના અધિકાર સાથે છે.

જસ્ટિસ રોહિંટન ફલી નરીમાન ભારતના વરિષ્ઠ ન્યાયવિદ છે અને જાણીતા કાયદાશાસ્ત્રી તથા પદ્મ વિભૂષણ ફલી નરીમાનના પુત્ર છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકેની તેમની કામગીરી દરમિયાન બંધારણીય અને નાગરિક અધિકારો સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દાઓ પર તેમણે ચુકાદા આપ્યા હતા. રાજકોટના કાર્યક્રમ દરમિયાન તેમણે ચૂંટણી પંચ અને મતદાનના અધિકારને લઈને કરેલી આ ટિપ્પણીઓ હવે રાજકીય અને કાનૂની ચર્ચામાં મહત્વપૂર્ણ બની છે.

Most Popular

To Top