Vadodara

વડોદરા કલેક્ટર કચેરીમાં સન્નાટો, ૧૪ પડતર માંગણીઓ સાથે મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર

પ્રમોશન અને જોબ-ચાર્ટના પ્રશ્ને મહેસૂલી કર્મચારીઓનો હુંકાર, વડોદરામાં અનિશ્ચિત મુદતની હડતાળથી કામકાજ ઠપ

તલાટીથી લઈને નાયબ મામલતદારો આંદોલનમાં જોડાયા, દૈનિક કામગીરી પ્રભાવિત થતાં અરજદારો મુશ્કેલીમાં, આગામી દિવસોમાં સંઘર્ષ ઉગ્ર બનવાના એંધાણ

(પ્રતિનિધિ), વડોદરા. તા.૭

વડોદરા :- લાંબા સમયથી પડતર રહેલી વિવિધ માંગણીઓનું નિરાકરણ ન આવતા આખરે વડોદરા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ અનુસાર શરૂ થયેલા આ આંદોલનને કારણે વડોદરા કલેક્ટર કચેરી તેમજ સબ-ડિવિઝનલ અને મામલતદાર કચેરીઓની દૈનિક કામગીરી પર માઠી અસર પહોંચી છે. મોટાભાગના કર્મચારીઓ ફરજથી દૂર રહેતા કચેરીના વિવિધ વિભાગોમાં ભારે સન્નાટો અને સુમસામ વાતાવરણ જોવા મળ્યું હતું.

અગાઉ મહામંડળ દ્વારા તબક્કાવાર આંદોલનની રણનીતિ ઘડવામાં આવી હતી, જેના ભાગરૂપે ગત 5 ઓક્ટોબરે કર્મચારીઓએ સામૂહિક સીએલ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રી-મેરેથોન વિરોધ બાદ પણ પ્રશ્નોનો કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા આજથી સત્તાવાર રીતે અચોક્કસ મુદતની હડતાળનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું છે. કર્મચારીઓ દ્વારા કુલ ૧૪ જેટલી મહત્વપૂર્ણ અને પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો ખોલવામાં આવ્યો છે.

આ આંદોલનની મુખ્ય માંગણીઓમાં રેવન્યુ તલાટીઓના જોબ-ચાર્ટનો પેચીદો પ્રશ્ન વહેલી તકે ઉકેલવાનો તથા મહેસૂલ સિવાયના અન્ય વિભાગો દ્વારા સોંપવામાં આવતી બિનજરૂરી કામગીરી સંબંધિત વિભાગોને પરત સોંપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૧૨માં નિમણૂક પામેલા નાયબ મામલતદારોને લાંબો સમય વીતી જવા છતાં હજુ સુધી પ્રમોશન ન મળ્યું હોવાનો રોષ પણ કર્મચારીઓમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

કર્મચારી વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, રેવન્યુ તલાટી, ક્લાર્ક અને નાયબ મામલતદારોની વરસીય પ્રવરતા યાદી તાત્કાલિક ધોરણે તૈયાર કરવાની માંગ કરાઈ છે. સાથે જ, વર્ષ ૨૦૧૫ના કારકુનોને મૂળ મહેકમમાં જગ્યાઓ ખાલી હોવા છતાં અન્ય જિલ્લાઓમાં કરાયેલી બદલીઓના આદેશો ત્વરિત રદ કરી તેમને મૂળ મહેકમમાં પરત લાવવાની માંગ પણ જોરશોરથી ઉઠાવવામાં આવી રહી છે.

દરમિયાન, આંદોલનને દબાવવા માટે સરકારી સ્તરે દબાણની નીતિ અપનાવાઈ રહી હોવાના ગંભીર આક્ષેપો પણ મહામંડળ દ્વારા કરવામાં આવ્યા છે. અમદાવાદ કલેક્ટર દ્વારા મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી કૌશિકભાઈ સહિતના મુખ્ય હોદ્દેદારોની કરાયેલી બદલીના આદેશોને વખોડી, આ બદલીઓ તાત્કાલિક રદ કરવાની માંગ પણ આ આંદોલનનું એક મુખ્ય કેન્દ્ર બની રહી છે.

હડતાળના કારણે જમીન મહેસૂલ, પ્રમાણપત્રો અને અન્ય સરકારી સેવાઓ મેળવવા આવતા અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે વડોદરા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમારી ન્યાયી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારો આ સંઘર્ષ અવિરતપણે ચાલુ રહેશે. હવે આગામી દિવસોમાં રાજ્ય સરકાર આ પડતર પ્રશ્નોના ઉકેલ માટે શું નિર્ણય કરે છે અને આ હડતાળ કેટલા દિવસ ચાલે છે, તેના પર સમગ્ર વડોદરા જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્રની મીટ માંડ્યાઈ છે.

Most Popular

To Top