India

બેંગલુરુમાં વિદેશી મહિલા અને Uber ડ્રાઈવર વચ્ચે ટોલને લઈને વિવાદ

ટોલના પૈસા માંગતા ડ્રાઈવરે વિદેશી મહિલાને રસ્તામાં ઉતારવાનું કહ્યું, બીજા કેબ ડ્રાઈવરે એક્સ્ટ્રા ચાર્જ વગર પહોંચાડી

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં Uber કેબની મુસાફરી દરમિયાન વિદેશી મહિલા સાથે થયેલા કથિત વિવાદનો મામલો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. અમેરિકન મહિલા ડાના મેરીએ આરોપ લગાવ્યો છે કે Uberના એક ડ્રાઈવરે મુસાફરી શરૂ થયાની થોડી જ મિનિટોમાં ટોલના નામે વધારાના પૈસા માંગ્યા હતા. મહિલાએ જ્યારે ભાડું અને ટોલ ચાર્જ Uber પાસેથી કન્ફર્મ કરવાની વાત કરી ત્યારે ડ્રાઈવરે કથિત રીતે તેને કેબમાંથી નીચે ઉતરી જવા કહ્યું હતું.ડાના મેરીના જણાવ્યા પ્રમાણે, તેઓ બેંગલુરુમાં એવી જગ્યાએ ગઈ હતી જ્યાં પાર્કિંગની સમસ્યા હોવાથી તેમણે Uber કેબ બુક કરી હતી. ત્યાંથી પરત ફરવા માટે તેમણે ફરી Uber બુક કરી. રાઈડ શરૂ થયાના આશરે 3થી 5 મિનિટ બાદ ડ્રાઈવરે ભાડું ઓછું હોવાનું કહીને ટોલ માટે અલગથી પૈસા ચૂકવવા પડશે તેમ જણાવ્યું હતું.

મહિલાએ ડ્રાઈવરને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ રૂટ માટેના ભાડામાં ટોલનો ખર્ચ પહેલેથી સામેલ હોવો જોઈએ અને જરૂર પડે તો Uber સાથે વાત કરીને તેની પુષ્ટિ કરી શકાય છે.મહિલાનો આરોપ છે કે તેની વાત સાંભળવાને બદલે ડ્રાઈવરે કથિત રીતે તેને ‘કેબમાંથી ઉતરી જાઓ’ તેમ કહ્યું. આ સમયે કેબ એક વ્યસ્ત ત્રણ રસ્તાવાળા ચોરાહા પાસે હતી. ડાનાએ ત્યાં રસ્તાની વચ્ચે ઉતરવાનો ઇનકાર કર્યો, કારણ કે તે જગ્યાએ તેને સુરક્ષિત લાગતું નહોતું. ત્યારબાદ ડ્રાઈવરે કેબને રસ્તાની બાજુમાં ઉભી રાખી હતી અને બંને વચ્ચે બોલાચાલી થઈ હોવાનો મહિલાએ દાવો કર્યો છે. અંતે તેને કેબમાંથી ઉતરવું પડ્યું અને બીજી Uber કેબ માટે આશરે 10 મિનિટ રાહ જોવી પડી.આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની વાત એ રહી કે બીજી Uber કેબ આવ્યા બાદ તે જ રૂટ પરથી મહિલાને તેના ગંતવ્ય સુધી લઈ જવામાં આવી હતી.

મહિલાના જણાવ્યા પ્રમાણે, બીજા ડ્રાઈવરે ટોલના નામે કોઈ વધારાના પૈસા માંગ્યા નહોતા અને તેને કોઈ અલગ ચાર્જ ચૂકવ્યા વગર ઘરે પહોંચાડી હતી. આ અનુભવ બાદ મહિલાને પ્રથમ ડ્રાઈવર દ્વારા માંગવામાં આવેલા વધારાના ટોલ ચાર્જ અંગે વધુ શંકા ઊભી થઈ હતી.ત્યારબાદ ડાના મેરીએ Uber સાથે સંપર્ક કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી. મહિલાના દાવા મુજબ, કંપની સાથે વાતચીત દરમિયાન તેને જણાવવામાં આવ્યું હતું કે તેના રૂટ માટેનો ટોલ ચાર્જ ભાડામાં જ સામેલ હતો. જોકે Uberની સામાન્ય નીતિ મુજબ ટોલ અથવા અન્ય સરચાર્જ ક્યારે અને કેવી રીતે લાગુ પડે છે તે રૂટ અને ટ્રિપના પ્રકાર પર આધારિત હોઈ શકે છે. Uberની મદદની માહિતી મુજબ, જો પસંદ કરાયેલા રૂટમાં અંદાજિત ટોલ સામેલ હોય તો તે સામાન્ય રીતે અગાઉથી દર્શાવાયેલા ટ્રિપ પ્રાઈસમાં સામેલ થઈ શકે છે.

મહિલાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને સમગ્ર અનુભવ વર્ણવ્યો અને Uber તથા પોલીસ સમક્ષ આ મામલાની તપાસ કરવાની માંગ કરી. તેની પોસ્ટ બાદ મામલો ચર્ચામાં આવ્યો છે.પોલીસ તરફથી પણ મહિલાની ફરિયાદ સંબંધિત વિભાગ સુધી મોકલવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. હાલમાં આ મામલે ડ્રાઈવર તરફથી કોઈ વિગતવાર જાહેર પ્રતિક્રિયા સામે આવી નથી. તેથી મહિલાના આરોપોની સંપૂર્ણ હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ એક જ રૂટ પર પ્રથમ ડ્રાઈવર દ્વારા ટોલ માટે વધારાના પૈસા માંગવા અને બીજી કેબ દ્વારા કોઈ વધારાનો ચાર્જ લીધા વગર મુસાફરી પૂર્ણ કરવાના દાવાને કારણે આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

Most Popular

To Top