ડાયમંડ સિટી સુરતના હવાઈ મુસાફરો, ઉદ્યોગ જગત અને શહેરીજનો માટે દિવાળી પહેલાં મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. ગત ફેબ્રુઆરી મહિનામાં અચાનક બંધ કરાયેલી સુરત-શારજાહ-સુરત ફ્લાઇટ હવે વિન્ટર શિડ્યૂલમાં ફરી શરૂ થવા જઈ રહી છે. આગામી 25 ઓક્ટોબરથી આ ફ્લાઇટ ફરી ઉડાન ભરશે. નવા શિડ્યૂલ મુજબ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે બુધવાર, શુક્રવાર અને રવિવારે ઓપરેટ થશે. ફ્લાઇટ સેવા ફરી શરૂ થવાની જાહેરાત થતાં સુરતીઓ તેમજ ગલ્ફમાં વસતા ગુજરાતીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરતથી શારજાહનું હવાઈ જોડાણ ગલ્ફ દેશોમાં વસતા સુરતીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. વિવિધ ઔદ્યોગિક સંગઠનો અને સુરતીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી બાદ ફેબ્રુઆરી 2019માં સુરત એરપોર્ટથી સુરત-શારજાહની પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. આ સેવા શરૂ થતાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી હતી. સાથે જ સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ માટે મિડલ ઈસ્ટ સુધી પહોંચવાનું સીધું હવાઈ જોડાણ મળ્યું હતું.
આ સેવા લગભગ સાત વર્ષ સુધી ચાલ્યા બાદ સમર શિડ્યૂલમાં અચાનક બંધ કરવામાં આવી હતી. ફ્લાઇટ માર્ચ મહિનામાં બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ યુદ્ધજન્ય પરિસ્થિતિને કારણે સુરત-શારજાહ ફ્લાઇટે 27 ફેબ્રુઆરીએ જ પોતાની અંતિમ ઉડાન ભરી હતી. ફ્લાઇટ બંધ થતાં સુરતના વેપારીઓ, મુસાફરો અને ગલ્ફમાં રહેતા ગુજરાતીઓમાં નારાજગી જોવા મળી હતી. સીધી ફ્લાઇટ સેવા બંધ થતાં મુસાફરોને શારજાહ અને આસપાસના વિસ્તારોમાં જવા માટે મુંબઈ અથવા અમદાવાદ જેવા શહેરોમાંથી ફ્લાઇટ લેવાની ફરજ પડતી હતી.
ફ્લાઇટ ફરી શરૂ કરાવવા માટે સુરત એરપોર્ટના વિકાસ માટે કાર્યરત ‘વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ’ ગ્રૂપના સભ્યો, સ્થાનિક ઉદ્યોગ મંડળો અને શહેરીજનો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી. ફ્લાઇટ સેવા ફરી શરૂ કરવાની માંગ સાથે એરલાઇન મેનેજમેન્ટ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવી હતી. સુરતથી શારજાહની સીધી ફ્લાઇટ ફરી શરૂ થાય તેવી મુસાફરો અને વેપારીઓની લાંબા સમયથી માંગ હતી.
આ રજૂઆતો અને મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયા એક્સપ્રેસે વિન્ટર શિડ્યૂલ 2026માં સુરત-શારજાહ રૂટને ફરી સામેલ કર્યો છે. આગામી 25 ઓક્ટોબરથી આ રૂટ પર સેવા ફરી શરૂ થશે અને અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે. બુધવાર, શુક્રવાર અને રવિવારે સુરત અને શારજાહ વચ્ચે સીધી હવાઈ સેવા ઉપલબ્ધ રહેશે.
ફ્લાઇટ સેવા ફરી શરૂ થવાથી સુરતના વેપારીઓ, ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો તેમજ ગલ્ફ દેશોમાં પરિવાર સાથે રહેતા લોકો માટે મોટી રાહત મળશે. ખાસ કરીને દિવાળી પહેલાં સીધી ફ્લાઇટ શરૂ થવાથી મુસાફરોને મુંબઈ અને અમદાવાદ સુધી જવાની મુશ્કેલીમાંથી રાહત મળશે. લાંબા સમયથી ચાલી રહેલી માંગ બાદ સુરત-શારજાહ હવાઈ જોડાણ ફરી શરૂ થવાથી સુરત એરપોર્ટની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને પણ વધુ મજબૂતી મળવાની આશા છે.
Surat Sharjah Flight, Surat Airport, Air India Express, International Flight, Surat News