આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માત્ર મનોરંજનનું માધ્યમ રહ્યું નથી, પરંતુ પોતાની વાત વ્યક્ત કરવા, અન્યાય સામે અવાજ ઉઠાવવા અને સરકાર તથા વ્યવસ્થા સામે સવાલો પૂછવાનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે. મીડિયા ના વિશ્લેષણમાં આજની યુવા પેઢીના ગુસ્સા, બદલાવની ઇચ્છા, સોશિયલ મીડિયા પરની સક્રિયતા અને ‘વિક્ટિમ કાર્ડ’ની રાજનીતિ અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. લેખનો મુખ્ય પ્રશ્ન એ છે કે શું માત્ર ગુસ્સો, નારા અને સોશિયલ મીડિયા પોસ્ટના આધારે કોઈ દેશની વ્યવસ્થામાં વાસ્તવિક પરિવર્તન લાવી શકાય?
વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયાના કારણે સામાન્ય વ્યક્તિને પણ પોતાની વાત મોટા સ્તરે પહોંચાડવાની શક્તિ મળી છે. અગાઉ જે મુદ્દાઓ સ્થાનિક સ્તરે જ સીમિત રહી જતા હતા, તે હવે વીડિયો, પોસ્ટ, રીલ્સ અને હેશટેગ દ્વારા થોડા જ સમયમાં વ્યાપક ચર્ચાનો વિષય બની શકે છે. સરકારો, સંસ્થાઓ અને રાજકીય વ્યવસ્થાની ખામીઓ અંગે પણ લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી શકે છે. જોકે લેખક આ સાથે એ પણ સવાલ કરે છે કે સોશિયલ મીડિયા પરની ચર્ચા અને વાસ્તવિક જમીની પરિવર્તન વચ્ચે કેટલો તફાવત છે.
લેખમાં ફ્રાન્સ અને ભારતના સંદર્ભ સાથે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા લોકશાહી મૂલ્યોની ચર્ચા કરવામાં આવી છે. સાથે જ શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં યુવાનો દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે વિવિધ દેશોમાં યુવાનોનો અસંતોષ અલગ-અલગ સ્વરૂપે સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર આવા બનાવોના વીડિયો ઝડપથી વાયરલ થાય છે, પરંતુ ઘણી વખત લોકો માત્ર વીડિયો ફોરવર્ડ કરીને ફરી પોતાના રોજિંદા ડિજિટલ જીવનમાં પરત ફરી જાય છે.
વિશ્લેષણનો એક મહત્વપૂર્ણ મુદ્દો આજની પેઢીમાં વધતી ‘વિક્ટિમ કાર્ડ’ની માનસિકતા અંગે છે. લેખમાં વ્યંગાત્મક રીતે કહેવામાં આવ્યું છે કે અગાઉ લોકો પોતાની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે શિક્ષણ, નોકરી અને જીવનમાં સ્થિરતા મેળવવા પર ધ્યાન આપતા હતા, જ્યારે આજના સોશિયલ મીડિયા યુગમાં પોતાની પીડા અને અસંતોષને પણ ઓળખ અને રાજકીય અભિવ્યક્તિનો ભાગ બનાવવાની પ્રવૃત્તિ વધી છે. ‘ફોલોઇંગ’, ‘લાઇક્સ’, શેર અને વાયરલ કન્ટેન્ટ આજની ડિજિટલ સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો બની ગયા છે.લેખમાં રાજકીય વિચારો અને વિચારધારાઓ સોશિયલ મીડિયા દ્વારા ઝડપથી ફેલાતી હોવાનો પણ ઉલ્લેખ છે.
માર્ક્સ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, ભગતસિંહ અને ચે ગેવારા જેવા ઐતિહાસિક વ્યક્તિત્વોના ફોટા અને વિચારો સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ તથા પોસ્ટ્સમાં જોવા મળે છે. પરંતુ લેખકનો સવાલ એ છે કે શું માત્ર કોઈ વિચારધારાનો ઉલ્લેખ કરવાથી અથવા તેને સોશિયલ મીડિયા પર શેર કરવાથી સમાજમાં વાસ્તવિક પરિવર્તન આવી શકે?અંતે વિશ્લેષણ આજની યુવા પેઢીની મહત્વાકાંક્ષા, ગુસ્સો અને બદલાવની ઇચ્છા તરફ ધ્યાન દોરે છે. યુવાનો વધુ અધિકારો, સારી સુવિધાઓ અને ઝડપી વિકાસ ઇચ્છે છે. પરંતુ આ ઇચ્છાઓને વાસ્તવિક પરિવર્તનમાં ફેરવવા માટે માત્ર સોશિયલ મીડિયા અભિયાન પૂરતું નથી તે માટે વિચાર, જવાબદારી, લોકશાહી પ્રક્રિયામાં ભાગીદારી અને જમીની સ્તરે સતત પ્રયાસ જરૂરી હોવાનો સંદેશ લેખમાં વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરવામાં આવ્યો છે.