India

દિલ્હી સરકારનો મોટો હેલ્થકેર નિર્ણય: આશા વર્કરોનું ભથ્થું ડબલ

નવજાતોની 63 બીમારીઓની મફત તપાસ

દિલ્હીની આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી દિલ્હી સરકારે અનેક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી જાહેરાતો કરી છે. ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે યોજાયેલા ‘આશા સંમેલન-2026 અને આશા સન્માન સમારોહ’ દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ઉપરાજ્યપાલ તરનજીત સિંહ સંધૂની હાજરીમાં આ પહેલોની શરૂઆત કરવામાં આવી.આશા કાર્યકર્તાઓના પ્રોત્સાહન ભથ્થામાં વધારો, નવજાત શિશુઓની મફત સ્ક્રીનિંગ, અંગદાન-પ્રત્યારોપણની વ્યવસ્થા મજબૂત કરવી અને ખાનગી નર્સિંગ હોમ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવું જેવા નિર્ણયો સામેલ છે.દિલ્હીની 6,690 આશા કાર્યકર્તાઓ માટે સૌથી મોટી જાહેરાત તેમના માસિક પ્રોત્સાહન ભથ્થાને લઈને કરવામાં આવી છે.

અત્યાર સુધી આશા કાર્યકર્તાઓને દર મહિને રૂ. 3,000 મળતા હતા, જેને હવે વધારીને રૂ. 6,000 કરવામાં આવ્યા છે. એટલે કે ભથ્થામાં સીધો બમણો વધારો કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા મુજબ આશા કાર્યકર્તાઓ ગર્ભવતી મહિલાઓની નોંધણી, હોસ્પિટલમાં પ્રસૂતિ માટે પ્રોત્સાહન, રસીકરણ, પોષણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ તથા પરિવારોને આરોગ્ય સેવાઓ સાથે જોડવાનું મહત્વનું કામ કરે છે.આ કાર્યક્રમ દરમિયાન ‘મિશન ANMOL’ ના વિસ્તરણની પણ શરૂઆત કરવામાં આવી. હવે આ યોજના હેઠળ જન્મ બાદના માત્ર થોડા કલાકોમાં જ નવજાત બાળકોની ગંભીર બીમારીઓની ઓળખ માટે મફત સ્ક્રીનિંગ કરવામાં આવશે. સરકારના જણાવ્યા પ્રમાણે જન્મના 24થી 72 કલાકની અંદર 63 જન્મજાત બીમારીઓની તપાસ કરવામાં આવશે. તેમાં ગંભીર પરંતુ સમયસર સારવારથી નિયંત્રિત કરી શકાય તેવી આનુવંશિક, મેટાબોલિક અને જન્મજાત તકલીફોની વહેલી ઓળખ કરવાનો પ્રયાસ રહેશે.

દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર માર્ચ 2026માં મિશન ANMOL શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 75 હજારથી વધુ નવજાત બાળકોની સ્ક્રીનિંગ કરવામાં આવી છે અને 700થી વધુ બાળકોને સમયસર સારવાર મળી છે. હવે સરકાર આ યોજનાનું વાર્ષિક કવરેજ આશરે 1.5 લાખથી વધારીને 2.5 લાખ નવજાત બાળકો સુધી પહોંચાડવા માંગે છે. વહેલી તકે બીમારીની ઓળખ થાય તો બાળકને યોગ્ય સારવાર અને જરૂરી તબીબી માર્ગદર્શન સમયસર મળી શકે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.આ ઉપરાંત દિલ્હીના જી.બી. પંત હોસ્પિટલમાં State Organ and Tissue Transplant Organisation (SOTTO) ના નવા ભવનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વ્યવસ્થા દ્વારા અંગદાન અને અંગ-ઉતક પ્રત્યારોપણ સાથે જોડાયેલી કામગીરીનું વધુ સારું સંકલન કરવાનો પ્રયાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ અંગદાન અંગે જનજાગૃતિ વધારવા પણ અપીલ કરી હતી.

દિલ્હી સરકારે ખાનગી નર્સિંગ હોમ માટે “Nursing Home Management System” Portal પણ લોન્ચ કર્યું છે. હવે ખાનગી નર્સિંગ હોમના રજિસ્ટ્રેશન અને રિન્યુઅલની પ્રક્રિયા ઓનલાઈન કરી શકાશે. દસ્તાવેજો જમા કરાવવા,અરજીની સ્થિતિ જાણવા અને સંબંધિત પ્રક્રિયા માટે સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ખાવાની જરૂરિયાત ઘટાડવાનો આ પ્રયાસ છે. સરકારનું કહેવું છે કે ડિજિટલ વ્યવસ્થાથી રેકોર્ડ મેનેજમેન્ટ અને દેખરેખ વધુ વ્યવસ્થિત બની શકે છે.આ રીતે દિલ્હીમાં આરોગ્ય ક્ષેત્રે એકસાથે અનેક પહેલ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને આશા કાર્યકર્તાઓના ભથ્થામાં વધારો અને નવજાતોની 63 બીમારીઓની મફત સ્ક્રીનિંગને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top