BNP નેતાએ કહ્યું- ‘આ વિચાર ખરાબ નથી’
બાંગ્લાદેશમાં અવામી લીગ સાથે સમાધાન અંગે પહેલીવાર નરમ વલણના સંકેત; PM તારિક રહમાનના સલાહકાર ઝાહિદ ઉર રહમાને કહ્યું પાર્ટીએ પહેલા પોતાની જવાબદારી સ્વીકારવી પડશે,બાંગ્લાદેશની રાજનીતિમાં ફરી એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગ સાથે રાજકીય સમાધાન અંગે વડાપ્રધાન તારિક રહમાનની સરકાર તરફથી નરમ સંકેત મળ્યા છે.
વડાપ્રધાનના માહિતી સલાહકાર અને BNP નેતા ઝાહિદ ઉર રહમાને મંગળવારે જણાવ્યું કે અવામી લીગના સક્રિય કાર્યકરો અને સમર્થકો સાથે સમાધાનની પહેલ કરવી “ખરાબ વિચાર નથી”. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રક્રિયા માટે કેટલીક મૂળભૂત શરતો પૂરી થવી જરૂરી છે.ઝાહિદ ઉર રહમાને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે જો કોઈ મધ્યસ્થી પક્ષ સમાધાનની પહેલ કરવા માંગે છે,તેને યોગ્ય માને છે, તો તેઓ પણ તેને ખરાબ વિચાર માનતા નથી.પરંતુ સમાધાનની પ્રક્રિયા આગળ વધારવા માટે પહેલા અવામી લીગના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરીને એક મૂળભૂત આધાર તૈયાર કરવો પડશે. તેમણે મધ્યસ્થીઓને અવામી લીગ સુધી પહોંચવા અને પાર્ટીના ટોચના નેતાઓ સાથે ચર્ચા શરૂ કરવાની સલાહ આપી છે. જોકે, તેમણે “મધ્યસ્થી” તરીકે કોનો ઉલ્લેખ કર્યો છે તે અંગે સ્પષ્ટતા કરી નહોતી.પરંતુ આ સમાધાનની વાત એટલી સરળ નથી.
ઝાહિદે સ્પષ્ટ કર્યું કે હાલ સમાધાન માટે જરૂરી પરિસ્થિતિ સંપૂર્ણ રીતે તૈયાર નથી. તેમનું કહેવું છે કે અવામી લીગના નેતૃત્વે ભૂતકાળની પોતાની કામગીરીની જવાબદારી સ્વીકારી નથી અને તેના માટે કોઈ પસ્તાવો પણ વ્યક્ત કર્યો નથી. ખાસ કરીને 2024માં શેખ હસીના સરકાર વિરુદ્ધ થયેલા મોટા વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલા કથિત હિંસક દમન તરફ તેમણે સંકેત કર્યો હતો.આ વિરોધ પ્રદર્શનો બાદ શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી અને તેઓ દેશ છોડીને ભારત ગયા હતા. 2024ના રાજકીય ઉથલપાથલ બાદ બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બની હતી. ત્યારબાદ શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ પણ વારંવાર કરવામાં આવી હતી. હવે તારિક રહમાનના સલાહકારના તાજેતરના નિવેદનથી રાજકીય સમાધાનની સંભાવના અંગે ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ નિવેદનનો અર્થ એ નથી કે શેખ હસીના અને અવામી લીગ સાથે તરત જ કોઈ ઔપચારિક સમજૂતી થવા જઈ રહી છે. હાલ માત્ર સંવાદ અને સમાધાન માટેની સંભાવનાનો સંકેત આપવામાં આવ્યો છે.
ખાસ વાત એ છે કે થોડા મહિના પહેલાં સુધી BNP નેતાઓનું વલણ અવામી લીગ પ્રત્યે ખૂબ જ કડક હતું. જૂન મહિનામાં ઝાહિદ ઉર રહમાને પણ અવામી લીગની રાજકીય વાપસી અંગે અત્યંત કડક ટિપ્પણી કરી હતી. વડાપ્રધાન તારિક રહમાન અને BNPના અન્ય નેતાઓ પણ અગાઉ કહી ચૂક્યા છે કે અવામી લીગે પોતાની રાજકીય સ્થિતિ પોતે જ નબળી બનાવી છે. આવી સ્થિતિમાં હવે સમાધાન અંગે “વિચાર ખરાબ નથી” એવું નિવેદન બાંગ્લાદેશના રાજકીય વર્તુળોમાં ખાસ ચર્ચાનો વિષય બન્યું છે.હાલ સમગ્ર મામલો જવાબદારી સ્વીકારવા, પસ્તાવો વ્યક્ત કરવા અને ટોચના નેતૃત્વ વચ્ચે સંવાદ શરૂ કરવા જેવી શરતો પર અટકેલો છે. જો અવામી લીગ આ દિશામાં આગળ વધે છે તો ભવિષ્યમાં રાજકીય સમાધાન અંગે ચર્ચા થઈ શકે છે. પરંતુ શેખ હસીના અને તેમની પાર્ટીનું વલણ શું રહેશે અને તારિક રહમાન સરકાર આ મુદ્દે આગળ શું પગલું ભરશે, તેના પર હવે બાંગ્લાદેશની રાજનીતિની નજર રહેશે.