અમેરિકાના ન્યાય વિભાગે આધુનિક ઇતિહાસમાં નાગરિકતા રદ કરવાના સૌથી મોટા અભિયાનની શરૂઆત કરતા ભારતીય મૂળની એક વ્યક્તિ સહિત 40 લોકોની નાગરિકતા છીનવી લેવાની કાર્યવાહી હાથ ધરી છે.આ 40 લોકો પર વિદેશી સરકારના એજન્ટ તરીકે કામ કરવા, હત્યા અને ગંભીર ગુનાઓ આચરવા તેમજ ખોટી ઓળખ ઊભી કરીને અમેરિકી નાગરિકતા મેળવવા જેવા ગંભીર આરોપો છે. ન્યાયિક અધિકારીઓના જણાવ્યા મુજબ આ તમામ લોકોએ જૂઠું બોલીને નાગરિકતા મેળવી હતી.
આ યાદીમાં કેલિફોર્નિયાના ભારતીય મૂળના બલવિંદર સિંહનો પણ સમાવેશ થાય છે. બલવિંદરે 1992માં એક ઓળખ હેઠળ ઈમિગ્રેશન અરજી કરી હતી અને ત્યારબાદ 2003માં બીજી ખોટી ઓળખ ઊભી કરીને ગ્રીન કાર્ડ મેળવ્યું હતું. ફિંગરપ્રિન્ટ્સ દ્વારા સાબિત થયું હતું કે બંને અરજીઓ તેમની જ હતી. તેમણે 2009માં બીજી ઓળખ હેઠળ જ નાગરિકતા મેળવી લીધી હતી, જેના પર હવે 7 ગંભીર આરોપો હેઠળ નાગરિકતા રદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
આ ઉપરાંત ચાઇનામાં જન્મેલા પૂર્વ યુએસ નેવી સેલર જિનચાઓ વેઇ સામે પણ જાસૂસીના ગુના બદલ નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેને 200 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ ગેરકાયદેસર રીતે કે તથ્યો છુપાવીને મેળવેલી નાગરિકતા રદ થઈ શકે છે. આ કાર્યવાહી હેઠળ પાકિસ્તાન, મેક્સિકો, નેપાળ, કમ્બોડિયા અને અફઘાનિસ્તાન જેવા દેશોના નાગરિકોનો પણ સમાવેશ થાય છે.