યુએસ કોંગ્રેસમેન જોશ ગોટથૈમરે ફ્લાયદુબઈ ફ્લાઇટ 1073ના દરેક મુસાફરનું રક્ષણ કરવામાં અસાધારણ સાહસ બતાવવા બદલ ભારતીય પાઇલટ સ્મિત મચ્છારને સન્માનિત કરતો એક પ્રસ્તાવ પ્રતિનિધિ ગૃહમાં રજૂ કર્યો હતો.
ન્યૂ જર્સીના ડેમોક્રેટિક કોંગ્રેસમેન ગોટથૈમરે તેમના પ્રસ્તાવમાં ફ્લાઇટ ડેક સુરક્ષિત કરનાર અને વિમાનને હેમખેમ નીચે ઉતારનાર ડ્યુટી પર ન હોય તેવા પાયલટ્સ, કેબિન ક્રૂ અને મુસાફરોના વીરતાપૂર્ણ કાર્યોની પણ પ્રશંસા કરી હતી.
સોમવારે પ્રતિનિધિ ગૃહમાં રજૂ કરાયેલો આ પ્રસ્તાવ ફ્લાયદુબઈ ફ્લાઇટ 1073 પર થયેલા હુમલાને આતંકવાદના કૃત્ય તરીકે અને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનની સુરક્ષા પરના હુમલા તરીકે વખોડે છે.
તેમાં સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતની સરકારો દ્વારા સંપૂર્ણ અને ઝડપી તપાસની તેમ જ સંયુક્ત રાજ્ય અમેરિકા અને ઇઝરાયેલને સંપૂર્ણ માહિતી આપતી રાખવાની માંગ પણ કરવામાં આવી છે.કેપ્ટન મચ્છારે કો-પાઇલટ દ્વારા ઇઝરાયેલ જતી ફ્લાઇટને ક્રેશ કરવાના કથિત પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. દુબઈથી તેલ અવીવ જઈ રહેલા વિમાનની કોકપિટમાં બુધવારે ફ્લાયદુબઈ ફ્લાઇટ એફઝેડ1073 પર કો-પાઇલટ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી.
વોલ સ્ટ્રીટ જર્નલ અને સીએનએન સહિતના અનેક સમાચાર માધ્યમો દ્વારા પ્રકાશિત અહેવાલો અનુસાર, હમામ અલ-હમ્મામી નામના ઓમાની નાગરિકની ફ્લાયદુબઈના કો-પાઇલટ તરીકે ઓળખ થઈ છે, જેણે મચ્છાર પર હુમલો કર્યો હતો અને કથિત રીતે ફ્લાઇટનો કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો.