(પ્રતિનિધિ), વડોદરા. તા.5
શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી એક રેસિડેન્સીમાં આજે વહેલી સવારે એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. ઘરમાં હાજર 45 વર્ષીય આધેડને અચાનક શ્વાસ લેવામાં તકલીફ અને ગભરામણ થતા, સારવાર મળે તે પૂર્વે જ તેમનું નિધન થયું હતું. આ બનાવને પગલે પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.
મળતી વિગતો અનુસાર, દંતેશ્વર અનુપમ નગર પાસે આવેલી સમૃદ્ધ રેસિડેન્સીના પાંચમા માળે નરેન્દ્રભાઈ બાબુભાઈ રાવળ (ઉં.વ. 45) પોતાના પરિવાર સાથે વસવાટ કરતા હતા. આજે વહેલી સવારે જ્યારે તેઓ ઘરે હતા, ત્યારે અચાનક જ તેમને છાતીમાં ગભરામણ થવા લાગી હતી અને જોતજોતામાં શ્વાસ લેવામાં ભારે તકલીફ ઉભી થઈ હતી.
નરેન્દ્રભાઈની તબિયત લથડતી જોઈ પરિવારજનો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 45 વર્ષના નરેન્દ્રભાઈનું આકસ્મિક નિધન થતા રાવળ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ બનાવની જાણ થતા જ હોસ્પિટલ પરિસરમાં સગા-સંબંધીઓ ઉમટી પડ્યા હતા.