Halol

દેવડેમમાં નાવડી ઊંધી વળતા સાળા-બનેવીના કરુણ મોત

પવનના જોરદાર ઝાટકાથી નાવડી બેલેન્સ ગુમાવતા બન્ને પાણીમાં ગરકાવ
બીજા દિવસે મૃતદેહ તરતા મળ્યા; પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો

હાલોલ, તા. 4 મે
હાલોલ તાલુકાના દેવડેમ ખાતે માછલી પકડવા ગયેલા સાળા-બનેવીના નાવડી ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હાલોલ તાલુકાના ધનપરી ગામના સંજયભાઈ ઠાકોરભાઈ નાયક અને નાથકુવા ગામેથી મહેમાનગતિએ આવેલા અજીતભાઈ રામસિંહભાઈ નાયક તા. 1 મેના રોજ સાંજના સમયે નાવડી લઈને દેવડેમ ખાતે માછીમારી કરવા ગયા હતા. આ દરમિયાન હવામાનમાં અચાનક પલટો આવતા અને પવનના જોરદાર ઝાટકાથી નાવડીનું બેલેન્સ બગડતાં બન્ને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વધુ પાણી હોવાથી તેઓ બહાર નીકળી શક્યા નહોતા.
ઘટના બાદ બન્ને ઘરે પરત ન ફરતા પરિવારજનોને ચિંતા લાગી હતી. સંજયભાઈના પિતા દેવડેમ ખાતે પહોંચતા ત્યાં ઢોર ચરાવતા વ્યક્તિએ નાવડી ઊંધી વળીને બન્ને પાણીમાં ડૂબી જવાની માહિતી આપી હતી. શોધખોળ છતાં તેઓ મળી આવ્યા નહોતા.
બીજા દિવસે મોડી સાંજે દેવડેમના પાણીમાં બન્નેના મૃતદેહ તરતા દેખાતા પરિવારજનો અને ગ્રામજનો એકત્રિત થઈ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ સંજયભાઈ અને અજીતભાઈ તરીકે થઈ હતી. બાદમાં બન્ને મૃતદેહોને હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી 3 મેના રોજ બન્ને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી પરિવારજનોને સોંપ્યા હતા.
આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top