Vadodara

PMના વડોદરા પ્રવાસ પૂર્વે તંત્ર સજ્જ: ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સુધી સફાઈ અને સુરક્ષાની ‘ગ્રાઉન્ડ ઝીરો’ તપાસ​

મ્યુનિસિપલ કમિશનરની ટીમ દ્વારા સરદારધામ રૂટનું નિરીક્ષણ; ગેરકાયદે દબાણો હટાવવા એન્ક્રોચમેન્ટ વિભાગને લીલી ઝંડી

વડોદરા: ​દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં વડોદરાના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના સંભવિત રૂટ અને કાર્યક્રમ સ્થળની સમીક્ષા કરવા માટે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પોતે મેદાનમાં ઉતર્યા છે. આજે તેમણે ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે શહેરના પ્રવેશદ્વાર ગણાતી ગોલ્ડન ચોકડીથી લઈને સરદારધામ સુધીના સમગ્ર માર્ગની રૂબરૂ મુલાકાત લીધી હતી.
​મ્યુનિસિપલ કમિશનરે મુલાકાત દરમિયાન ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ રોડ અને ત્યાંથી વુડા વિસ્તાર સુધીની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે રસ્તાઓની સાફ-સફાઈ, પેચવર્ક અને રોડ સાઈડના દબાણો દૂર કરવા અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ‘વન ડે વન રોડ’ કેમ્પેન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગોની સાથે હેરિટેજ સ્થળો અને વોટર બોડીઝની સફાઈ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
​મુલાકાત બાદ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન આગામી 11મી તારીખે સાંજે સરદારધામનું લોકાર્પણ કરવા વડોદરા આવી રહ્યા છે. આ વીવીઆઈપી વિઝિટને ધ્યાનમાં રાખીને અમે આખા અઠવાડિયા માટે સફાઈ ઝુંબેશનું આયોજન કર્યું છે. ગોલ્ડન ચોકડી એ વડોદરાનું પ્રવેશદ્વાર હોવાથી, ભલે તે નેશનલ હાઈવે ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવતું હોય, પરંતુ શહેરની સુંદરતા વધારવા માટે અમે ત્યાં રંગબેરંગી પેઈન્ટિંગ અને બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવા રિક્વેસ્ટ કરી છે અને જરૂર પડ્યે કોર્પોરેશન પોતે આ કામ પૂર્ણ કરશે.”
​આ રૂટ વિઝિટમાં મ્યુનિસિપલ કમિશનરની સાથે ડેપ્યુટી કમિશનર, એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રની ટીમ અને નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. માર્ગમાં આવતા દબાણો અને ગેરકાયદે લારી-ગલ્લાઓ અંગે પૂછતા કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે, એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટને તપાસના આદેશ અપાયા છે અને કોઈપણ પ્રકારનું ગેરકાયદે દબાણ સાંખી લેવામાં આવશે નહીં.
​વડાપ્રધાનના પ્રવાસને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા, વુડા અને જિલ્લા વહીવટી તંત્ર સંકલનમાં રહીને રોડ-રસ્તા, ડ્રેનેજ અને સફાઈની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે.

Most Popular

To Top