થાંભલા પરથી સીધા છેડા જોડી વીજળીનો વપરાશ,લાખોની ચોરી પકડાવાની શક્યતા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા શહેર નજીક આલમગીર પાસે આવેલી કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં મોટા પાયે વીજ ચોરી થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. જાગૃત નાગરિકો દ્વારા આ મામલે વીજ કંપનીને પણ જાણ કરવામાં આવી છે. વીજ કંપની દ્વારા જો તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાની વીજ ચોરી પકડાવાની શક્યતા છે.

જાગૃત નાગરિકો દ્વારા ઉતારવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રેસ્ટોરન્ટ સંચાલક દ્વારા વીજ મીટરનો ઉપયોગ કર્યા વિના જ વીજળીનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, થાંભલા પરથી સીધા છેડા જોડીને ગેરકાયદેસર રીતે વીજળી મેળવવામાં આવી રહી છે. આ ગેરરીતિ નજરે પડતા જાગૃત નાગરિકોએ તુરંત વીડિયો ઉતારી વાયરલ કરવાની સાથે વીજ કંપનીને પણ જાણ કરી દીધી હતી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે લાંબા સમયથી આ રીતે વીજ ચોરી ચાલી રહી છે. વીજ કંપની દ્વારા તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાની વીજ ચોરી પકડાવાની શક્યતા છે. રેસ્ટોરન્ટમાં ભારે વીજ વપરાશ હોવાથી ચોરીનો આંકડો મોટો હોઈ શકે છે. વીજ કંપની દ્વારા વીડિયોના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો વીજ ચોરી પુરવાર થશે તો રેસ્ટોરન્ટ સંચાલક સામે દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.