અભ્યાસાર્થે આવતા વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે વલખાં મારવાની ફરજ પડી
મુકાયેલા નવા મશીનો વહેલી તકે કાર્યરત કરવા વિદ્યાર્થીઓની માંગ




( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. યુનિવર્સિટીની મેમોરિયલ લાઈબ્રેરીમાં છેલ્લા સાત દિવસથી વિદ્યાર્થીઓ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. નવા મશીનો મુકાયા છે પણ કુલરમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકીને ખુલ્લા વાયરીંગ વચ્ચે મશીનો ગોઠવવામાં આવ્યા છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં હજારો વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યના સપના સાકાર કરવા અભ્યાસ માટે આવે છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી લાયબ્રેરીમાં તેમને પુસ્તકોની સાથે તરસ સામે પણ લડવું પડી રહ્યું છે, તંત્ર દ્વારા નવા વોટર મશીન તો મુકાયા પણ તે હજી સુધી કાર્યરત થયા નથી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, આ મશીનો માત્ર દેખાડો કરવા માટે છે. સૌથી મહત્વની બાબત એ છે કે, આ નવા મશીનો પાસે વાયરીંગ ખુલ્લી અવસ્થામાં છે. પાણી અને વીજળીનું આ જોખમી મિશ્રણ ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. ત્યારે, શું તંત્ર કોઈ વિદ્યાર્થીનો જીવ જોવાની રાહ જોઈ રહ્યું છે. જે જુના કુલરો કાર્યરત છે, તેમાંથી ઠંડુ નહીં પણ ગરમ પાણી આવી રહ્યું છે. પરિણામે મધ્યવર્ગના વિદ્યાર્થીઓને મજબૂરીમાં બહારથી મોંઘા ભાવની પાણીની બોટલો ખરીદવી પડી રહી છે. આ મામલે વિદ્યાર્થીઓમાં પણ તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અમે અહીં ભણવા આવીએ છીએ કે પાણી માટે સંઘર્ષ કરવા. એક તરફ યુનિવર્સિટી મોટી ફી વસુલે છે અને બીજી તરફ પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે. પાણીના કુલર મુકવામાં આવ્યા છે પણ ચાલુ નથી. ત્યારે, વહેલી તકે આ પાણીના કુલરો કાર્યરત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.