Vadodara

વડોદરામાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 4347 બાળકોને શાળા ફાળવાઈ, 462ના પ્રવેશ મંજૂર

કુલ 11546 અરજીઓ પૈકી 8769 મંજૂર, 3885 અરજીઓ હજુ પેન્ડિંગ :
7 દિવસમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના
:

( પ્રતિનિધિ )વડોદરા,તા.5

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં 25% અનામત બેઠકો પર પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વડોદરા જિલ્લામાં આ વર્ષે કુલ 11546 અરજીઓ આરટીઈ પ્રવેશ માટે ઓનલાઈન મળી હતી, જેમાંથી ચકાસણી બાદ 8769 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, મંજૂર થયેલી અરજીઓ પૈકી પ્રથમ રાઉન્ડમાં 4347 વિદ્યાર્થીઓને શાળાઓ ફાળવવામાં આવી છે. આ પૈકી 462 વિદ્યાર્થીઓના પ્રવેશ આજે જ મંજૂર કરી દેવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે વાલીઓને બાળકો માટે શાળા એલોકેટ થઈ ગઈ છે, તેઓએ તુરંત જ સંબંધિત શાળામાં જઈને એલોકેશન લેટર જમા કરાવી પ્રવેશ નિશ્ચિત કરાવવાનો રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા 7 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં પ્રવેશ ન લેનાર વિદ્યાર્થીની બેઠક રદ ગણવામાં આવશે. વાલીઓએ સમયસર શાળાનો સંપર્ક કરી તમામ દસ્તાવેજો સાથે પ્રવેશ મેળવી લેવો. હાલ 3885 અરજીઓ પેન્ડિંગ છે. પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓએ શાળા ફાળવણી બાદ પણ પ્રવેશ મેળવ્યો નથી તે ખાલી પડેલી બેઠકો માટે 10થી 12 દિવસમાં બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવશે. કુલ 8770 ફોર્મ મંજૂર થયા હોવાથી બીજા રાઉન્ડમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને તક મળશે. શિક્ષણ વિભાગે વાલીઓને અપીલ કરી છે કે આરટીઈ પોર્ટલ પર નિયમિત સ્ટેટસ ચેક કરતા રહે અને એસએમએસ દ્વારા મળતી સૂચનાઓનું પાલન કરે. કોઈપણ મુશ્કેલી જણાય તો નજીકના રિસોર્સ સેન્ટર અથવા ડીઈઓ કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. આરટીઈ હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

Most Popular

To Top