Vadodara

હનુરામની દાલ કચોરીનો નમૂનો અનસેફ, લોકોના આરોગ્ય સાથે ચેડા

વડોદરામાં ફૂડ વિભાગનો સપાટો, શ્રીખંડ, મંચુરિયન અને આઈસ્ક્રીમ સહિત 08 નમૂના લેબમાં ફેઈલ

પાલિકાની ટીમે વિવિધ વિસ્તારોમાં 08 એકમો પર આકસ્મિક તપાસ કરી, 2 નમૂના ‘અનસેફ’ જાહેર થતા કાયદેસરની કાર્યવાહી

(પ્રતિનિધિ), વડોદરા. તા.5

વડોદરા : શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે વડોદરા મહાનગરપાલિકાએ યુદ્ધના ધોરણે તપાસ અભિયાન છેડ્યું છે. મ્યુનિસિપલ કમિશનરની કડક સૂચના અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોએ શહેરના વિવિધ પોશ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડી ખાદ્યપદાર્થોના વેચાણ કરતા એકમોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

વડોદરાના ફતેગંજ, માંજલપુર, ભાયલી અને મકરપુરા જેવા વિસ્તારોમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કુલ 08 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. પબ્લિક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતે કરવામાં આવેલા પૃથ્થકરણમાં આ તમામ 08 નમૂનાઓ ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ (નાપાસ) જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 06 નમૂના સબ-સ્ટાન્ડર્ડ અને 02 નમૂના અત્યંત જોખમી એટલે કે ‘અનસેફ’ જાહેર થતા તંત્રએ લાલ આંખ કરી છે.

તપાસના દાયરામાં આવેલા એકમો અને લેબ રિપોર્ટની વિગતો...

* 1) બીશ્રા સુમીત અરવીંદભાઈ (ગોકુલ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ), કારેલીબાગ. અહીંથી લેવાયેલ કેસર રસનો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયો છે.
* 2) શાહ મનોજ બદ્રીલાલ (શ્રી જનતા આઈસ્ક્રીમ એન્ડ જ્યુસ), ફતેગંજ. અહીંનો વેનીલા આઈસ્ક્રીમ (લુઝ) ખાવા લાયક ગુણવત્તા ધરાવતો ન હોવાનું સામે આવ્યું છે.
* 3) રામાભાઈ પુજાભાઈ પ્રજાપતી (ગોપાલ પ્રોવિઝન સ્ટોર), લક્ષ્મીપુરા રોડ અહીંયા રોજિંદા વપરાશમાં લેવાતો આટા (લોટ) સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયો છે.
* 4) રાજેશકુમાર ભીખાભાઈ ચાંગડીયા (સત્યનારાયણ કાઠીયાવાડી), ભાયલી ના આ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતું સેવ ટોમેટો (પ્રીપેડ ફૂડ) પણ તપાસમાં ફેઈલ ગયું છે.
* 5) પઘાદલ જીજ્ઞેષભાઈ મગનભાઈ (ક્રીષા એન્ટરપ્રાઈઝ), ભાયલી રોડ અહીં વેચાતો એસ.પી. રંગોલી શ્રીખંડ સબ-સ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે.
* 6) અમરનાથ સંભુનાથ શર્મા (ડેડીસ ઝોન પીઝા), માંજલપુર. અહીંયા યુવાનોમાં લોકપ્રિય ડ્રાય મંચુરીયનનો નમૂનો લેબ ટેસ્ટમાં નાપાસ થયો છે.
* 7) વીનારામ ચીમનરામ (હનુમાન રોસ્ટેડ પૌષ્ટીક આહાર), છાણી રોડ. અહીંથી લેવાયેલ હળદળ મીઠાવાળા ચણાનો નમૂનો સ્વાસ્થ્ય માટે જોખમી એટલે કે ‘અનસેફ’ જાહેર થયો છે.
* 8) નીહાલ પ્રવિણભાઈ પટેલ (હનુરામ ફૂડ્સ પ્રા.લી.), મકરપુરા. અહીં પીરસવામાં આવતી દાલ કચોરી ચાટ પણ ‘અનસેફ’ જાહેર કરવામાં આવી છે.

આ મામલે ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નાપાસ જાહેર થયેલા નમૂનાઓ બદલ સંબંધિત તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કોઈ પણ એકમ કે પેઢીને છોડવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

Most Popular

To Top