Entertainment

‘કેરલમ’નું શૂટિંગ પૂરું થતાં જ હોસ્પિટલ પહોંચ્યા અક્ષય કુમાર, થઈ આંખોની સર્જરી, લેશે ફિલ્મોમાંથી શોર્ટ બ્રેક

બોલિવુડના સુપરસ્ટાર અક્ષય કુમારને લઈને તેમના ચાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વર્ષમાં ત્રણથી ચાર ફિલ્મો કરનાર અને સતત કામમાં વ્યસ્ત રહેતા અક્ષય કુમારે હાલમાં એક્ટિંગ અને ફિલ્મોના કામમાંથી થોડો સમય માટે બ્રેક લીધો છે. આ બ્રેક પાછળનું કારણ તેમની આંખોની સર્જરી હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, અક્ષય કુમારની 6 મેના રોજ સવારે માઈનર વિઝન કરેક્શન સર્જરી કરવામાં આવી હતી. અભિનેતા સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, સર્જરી સફળ રહી છે અને હવે તેઓ થોડા દિવસ આરામ કરશે. ડોક્ટરોની સલાહ પ્રમાણે અક્ષય હાલમાં પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહ્યા છે. ખાસ વાત એ છે કે સર્જરી પહેલા જ અક્ષયે પોતાની આગામી ફિલ્મ ‘કેરલમ’નું શૂટિંગ પૂરું કર્યું હતું. કહેવાઈ રહ્યું છે કે 5 મેના રોજ તેમણે ફિલ્મનું શેડ્યૂલ પૂર્ણ કર્યું અને ત્યારબાદ બીજા જ દિવસે હોસ્પિટલમાં દાખલ થઈ સર્જરી કરાવી. ફિલ્મ ‘કેરલમ’નું નિર્દેશન જાણીતા ડિરેક્ટર અનીસ બઝ્મી કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય સાથે વિદ્યા બાલન અને રાશિ ખન્ના પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

અક્ષય કુમારે શૂટિંગ પૂરું થયા બાદ સોશિયલ મીડિયા પર સેટ પરથી એક તસવીર પણ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે સુંદર લોકેશન અને સારા લોકો સાથે કામ કરવાનો અનુભવ હંમેશા ખાસ હોય છે. સાથે જ તેમણે ડિરેક્ટર અનીસ બઝ્મી, કો-સ્ટાર્સ અને આખી ટીમનો આભાર માન્યો હતો. અક્ષયે આ પ્રોજેક્ટને પોતાના માટે ખાસ ગણાવ્યો હતો. અક્ષય કુમાર બોલિવૂડમાં સૌથી વ્યસ્ત અભિનેતાઓમાં ગણાય છે. તેઓ એક સાથે અનેક ફિલ્મો પર કામ કરતા રહે છે. હાલમાં તેમની હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ ચર્ચામાં છે અને ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ સિવાય અક્ષય પાસે હજુ પણ અનેક મોટા પ્રોજેક્ટ્સ છે. તેમની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘હૈવાન’ આ વર્ષે રિલીઝ થવાની છે. જોકે, બંને ફિલ્મોની સત્તાવાર રિલીઝ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. આવતા વર્ષ માટે પણ અક્ષય કુમારનું શેડ્યૂલ ખૂબ વ્યસ્ત છે. 2027માં તેમની ‘કેરલમ’, ‘વેદત મરાઠે વીર દૌડલે સાત’ અને ‘ગોલમાલ 5’ જેવી મોટી ફિલ્મો લાઇનમાં છે. હાલમાં ચાહકો અક્ષય કુમારના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. અભિનેતાની ટીમ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ફરી કામ પર પરત ફરશે.

Most Popular

To Top