Vadodara

વડોદરામાં MBBSનો વિદ્યાર્થી 10 દિવસથી લાપતા, હજુ કોઈ પતો નઈ પરિવાર ચિંતામાં

માતા સાથે છેલ્લી વાત બાદ મોબાઇલ સ્વીચ ઓફ; અનેક શહેરોમાં શોધખોળ છતાં કોઈ પત્તો નહીં

વડોદરા, તા. 6
વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો 21 વર્ષીય MBBSનો વિદ્યાર્થી છેલ્લા 10 દિવસથી લાપતા હોવાથી પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે. પરિવારજનો દ્વારા વિવિધ સ્થળોએ શોધખોળ કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસ પણ અલગ-અલગ શહેરોમાં તપાસ ચલાવી રહી છે. તેમ છતાં વિદ્યાર્થીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
માહિતી મુજબ વિદ્યાર્થી 26 એપ્રિલે વડોદરા આવ્યો હતો અને તેણે પિતાને ફોન કરીને સુરક્ષિત પહોંચ્યાની જાણ કરી હતી. ત્યારબાદ 27 એપ્રિલની સાંજે તેની માતા સાથે છેલ્લી વખત વાતચીત થઈ હતી. ત્યારથી તેનો મોબાઇલ સતત સ્વીચ ઓફ આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા.
પરિવારજનો વડોદરા પહોંચી વિદ્યાર્થીના બોયઝ હોસ્ટેલમાં તપાસ કરતા તેનો રૂમ બહારથી લોક મારેલી હાલતમાં મળી આવ્યો હતો. મિત્રો અને ઓળખીતાઓ પાસેથી પણ કોઈ ચોક્કસ માહિતી મળી નહોતી.
પરિવારજનો દ્વારા વડોદરા રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિત અનેક સ્થળોએ તપાસ કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ, ગોધરા તેમજ રાજસ્થાનના કોટા સુધી જઈ શોધખોળ હાથ ધરાઈ હતી, છતાં વિદ્યાર્થીનો કોઈ પત્તો મળ્યો નથી.
CCTV ફૂટેજ મુજબ વિદ્યાર્થી છેલ્લે સયાજી હોસ્પિટલ સામે આવેલા SBI ATM પરથી પૈસા ઉપાડતો જોવા મળ્યો હતો. જાણવા મળ્યું છે કે તે MBBSના આઠમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો અને તેને ATKT હોવાનું પરિવારને બાદમાં જાણવા મળ્યું હતું.
આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે તેમજ કોલ ડિટેઈલની પણ તપાસ ચાલી રહી છે. જોકે વિદ્યાર્થીનો મોબાઇલ હાલ પણ બંધ હોવાનું જાણવા મળ્યું છે.
દસ દિવસ વીતી ગયા છતાં પુત્રનો કોઈ પત્તો નહીં લાગતા પરિવારની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે.

Most Popular

To Top