બે અજાણ્યા યુવકો સાથે વાતચીત CCTV ફૂટેજ સામે આવ્યા

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે ઊભેલી વિદ્યાર્થિની પાસે બાઈક પર બે શખ્સ આવ્યા હતા. થોડી વાત કર્યા બાદ તેણી ઉપર બે પૈકી એક શખશે ચાકુ જેવા ધારદાર હથિયારથી હુમલો થયો કરીને ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસ ને આ સમગ્ર યુવતી દ્વારા દર્શાવાયેલી ઘટના શંકાસ્પદ જણાઈ રહી છે. જેને લઇને પોલીસે ખરેખર ઘટના બની છે કે પછી વિદ્યાર્થીને નાટક કર્યું છે તેની સામે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, એક વિદ્યાર્થિની કોમ્પ્યુટર ક્લાસમાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે ઉમા ચાર રસ્તાથી પાણીગેટ તરફ જતાં પાણીગેટ ફાયર સ્ટેશન નજીક બે અજાણ્યા યુવકોએ તેને રોકી હતી. વિદ્યાર્થિનીના જણાવ્યા મુજબ, યુવકોએ પહેલા તેને કેફી પીણું આપ્યું અને ત્યારબાદ ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો.
જો કે, પોલીસ તપાસ દરમિયાન કેટલીક વિસંગતતાઓ સામે આવી છે. ઘટનાસ્થળના CCTV ફૂટેજમાં વિદ્યાર્થિની બે યુવકો સાથે શાંતિથી વાતચીત કરતી નજરે પડે છે. ઉપરાંત, તબીબી તપાસમાં વિદ્યાર્થિનીને કોઈ ગંભીર ઇજા કે ચાકુના ઘા જેવા નિશાન મળી આવ્યા નથી, માત્ર સામાન્ય ઈજા નોંધાઈ છે.
ઘટના બાદ વિદ્યાર્થિનીએ તરત જ પોતાના પરિવારજનોને ફોન કરીને જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પોલીસે CCTV ફૂટેજ કબજે લઈ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે આ બનાવ પ્રેમ પ્રકરણ સાથે સંકળાયેલો હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. હાલ પોલીસે હકીકત શું છે તે જાણવા માટે વધુ તપાસ ચાલુ કરી છે.