ગાયકવાડી શાસન સમયનું ઐતિહાસિક તળાવ અને પ્રાચીન વાવ પુરાણ કરી દેવાતા ગ્રામજનોમાં રોષ; જાગૃત યુવાને કલેક્ટર સુધી કરી લેખિત ફરિયાદ

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા કંડારી ગામે તંત્ર અને ગ્રામ પંચાયતની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જળ સંચય અને જળ સંગ્રહ માટે કરોડો રૂપિયાના ખર્ચે ‘સુજલામ સુફલામ’ જેવી યોજનાઓ ચલાવીને જળાશયો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ કંડારી ગામમાં આનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીં ગામના વર્ષો જૂના ઐતિહાસિક તળાવને ખોદવાને બદલે તેને માટી નાખીને પૂરી દેવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કંડારી ગામમાં ગાયકવાડી શાસન સમયનું અત્યંત જૂનું અને મોટું તળાવ આવેલું છે. આ જળાશય ગામ માટે જળ સ્તર જાળવી રાખવા અને પશુ-પક્ષીઓ માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ગ્રામ પંચાયત દ્વારા આ તળાવના અમુક ભાગમાં મોટા પાયે માટીનું પુરાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે તળાવની ફરતે પ્રોટેક્શન વોલ પણ બનેલી છે, તેને જ પંચાયતના કેટલાક હોદ્દેદારોના પ્રોત્સાહનથી પૂરી દેવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો થયા છે.
આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે ગામના જાગૃત યુવાન કૃષ્ણકુમાર તડવીએ આ ગેરકાયદે કામગીરીનો વિરોધ કર્યો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તળાવની નજીક આવેલી ખાનગી જમીન માલિકોના સ્વાર્થ ખાતર તળાવની અડધી જમીનમાં પુરાણ કરી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં, આ પુરાણને કારણે વર્ષો જૂની વાવ અને સ્ત્રીઓ માટે કપડાં ધોવા માટે બનાવેલા ઓવારા પણ માટી નીચે દટાઈ ગયા છે. ઐતિહાસિક વિરાસત સમાન આ સ્થાપત્યો પર જે રીતે માટી ફેરવી દેવામાં આવી છે તેને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટના અંગે જાગૃત નાગરિકો દ્વારા મામલતદાર, પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ફરિયાદીનું કહેવું છે કે પંચાયતમાં રજૂઆત કરવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. ગ્રામજનોની માંગ છે કે જે તળાવને પૂરી દેવામાં આવ્યું છે તેને તાત્કાલિક તેની મૂળ સ્થિતિમાં લાવવામાં આવે અને આ કાયદેસરના જળાશય પર દબાણ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલમાં આ મુદ્દો સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે અને તંત્ર આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.