World

એટલાન્ટિકમાં ફેલાયો હંટા વાયરસનો ખતરો: ક્રુઝ શિપમાં 3નાં મોત, 2 ભારતીય મુસાફરો પણ હાજર

એટલાન્ટિક મહાસાગરમાં મુસાફરી કરી રહેલા ડચ ક્રુઝ શિપ MV Hondius પર હંટા વાયરસના કેસ સામે આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી ગઈ છે. BBCના અહેવાલ મુજબ, જહાજ પર અત્યાર સુધી હંટા વાયરસના 5 કેસ નોંધાયા છે અને 3 લોકોના મોત થયા છે. સૌથી ચિંતાની વાત એ છે કે આ જહાજ પર 2 ભારતીય નાગરિકો પણ હાજર હોવાનું જાણવા મળ્યું છે. આ ડચ ધ્વજવાળું ક્રુઝ હાલમાં સ્પેનના કેનેરી ટાપુ તરફ જઈ રહ્યું છે. 10 મે સુધીમાં જહાજ ત્યાં પહોંચે તેવી શક્યતા છે, જ્યાં તમામ મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવશે. WHOએ ઘટનાને ગંભીર ગણાવી છે, પરંતુ હાલ સામાન્ય લોકો માટે મોટો ખતરો નથી એવું પણ સ્પષ્ટ કર્યું છે.

MV Hondius નામનું આ ક્રુઝ 20 માર્ચે આર્જેન્ટિનાના ઉશુઆયાથી રવાના થયું હતું. ત્યારબાદ તે દક્ષિણ ધ્રુવ નજીકના વિસ્તારોમાં ગયું અને પછી એટલાન્ટિક પાર કરીને યુરોપ તરફ આગળ વધી રહ્યું છે. જહાજમાં કુલ 170 મુસાફરો અને 71 ક્રૂ સભ્યો છે. પ્રથમ મૃતક 70 વર્ષનો મુસાફર હતો, જેનું મોત જહાજ પર જ થયું હતું. તેની પત્ની બાદમાં દક્ષિણ આફ્રિકા પહોંચી, પરંતુ એરપોર્ટ પર તેમની તબિયત બગડી ગઈ અને 25 એપ્રિલે સેન્ટ હેલેનામાં તેમનું મૃત્યુ થયું. ત્યારબાદ 2 મેના રોજ એક મહિલા યાત્રીનું પણ મોત થયું. ક્રુઝ કંપની Oceanwide Expeditionsએ જણાવ્યું છે કે ત્રીજા મૃતકનો મૃતદેહ હાલ પણ જહાજ પર જ છે. હાલ WHO અને અનેક દેશોની આરોગ્ય એજન્સીઓ આ સમગ્ર ઘટનાની નજીકથી દેખરેખ રાખી રહી છે.

નેધરલેન્ડના લીડેન યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર કરિન એલેન વેલ્ડકેમ્પે જણાવ્યું કે હંટા વાયરસ કોરોનાની જેમ ઝડપથી માણસથી માણસમાં ફેલાતો નથી. તેમણે AFP સાથેની વાતચીતમાં કહ્યું કે આ વાયરસનું સંક્રમણ ખૂબ મુશ્કેલ છે અને સામાન્ય સંપર્કથી સહેલાઈથી ફેલાતું નથી. ડોક્ટરોએ જણાવ્યું કે સંક્રમિત લોકોને અલગ આઇસોલેશન રૂમમાં રાખવામાં આવે છે અને તેમની દેખરેખ ખાસ તાલીમ લીધેલા સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. દર્દીઓને ત્યાં સુધી આઇસોલેશનમાં રાખવામાં આવે છે જ્યાં સુધી તેમના લક્ષણો સંપૂર્ણપણે દૂર ન થાય.

WHOએ સેન્ટ હેલેનામાં ઉતરેલા મુસાફરોને ધ્યાનમાં રાખીને 12 દેશોને એલર્ટ મોકલ્યું છે. તેમાં બ્રિટન, અમેરિકા, કેનેડા, જર્મની અને સિંગાપોર જેવા દેશોનો સમાવેશ થાય છે. WHOનું માનવું છે કે જહાજ પર જોવા મળેલા કેસોમાં હંટા વાયરસના એન્ડીઝ સ્ટ્રેનનો ચેપ હોઈ શકે છે. આ સ્ટ્રેન ખાસ કરીને દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિના અને ચિલી વિસ્તારમાં જોવા મળે છે. સામાન્ય હંટા વાયરસ ઉંદરોથી ફેલાય છે, પરંતુ એન્ડીઝ સ્ટ્રેન કેટલાક કેસોમાં માણસથી માણસમાં પણ ફેલાઈ શકે છે. જોકે, તેની ઝડપ કોરોના જેટલી નથી. તપાસમાં જાણવા મળ્યું છે કે જહાજ પરના પહેલા બે દર્દીઓ ચિલી, આર્જેન્ટિના અને ઉરુગ્વેમાં બર્ડ વોચિંગ ટ્રિપ પર ગયા હતા. WHO અનુસાર, આ વિસ્તારોમાં એવા ઉંદરો જોવા મળે છે જે હંટા વાયરસ ફેલાવે છે.

હંટા વાયરસ કેવી રીતે ફેલાય છે?

હંટા વાયરસ મુખ્યત્વે ઉંદરોથી ફેલાતો વાયરસ છે. તે ત્રણ રીતે મનુષ્યોમાં ફેલાઈ શકે છે:

  1. સંક્રમિત ઉંદર મનુષ્યને કરડે ત્યારે
  2. ઉંદરના મળ, મૂત્ર અથવા લાળના સંપર્કમાં આવ્યા પછી હાથથી નાક-મોં સ્પર્શવાથી
  3. ઉંદરોથી પ્રદૂષિત ખોરાક ખાવાથી

કોરોનાથી વધુ ખતરનાક કેમ?

વિશ્વભરના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હંટા વાયરસનો મૃત્યુ દર કોરોનાની તુલનામાં ઘણો વધારે છે. કેટલાક સ્ટ્રેનમાં મૃત્યુ દર 38%થી 54% સુધી નોંધાયો છે. ખાસ કરીને વૃદ્ધો અને પહેલાથી જ બીમાર લોકો માટે જોખમ વધુ હોય છે. હજુ સુધી આ વાયરસની કોઈ અસરકારક રસી કે નિશ્ચિત દવા ઉપલબ્ધ નથી. દર્દીઓને લક્ષણોના આધારે સારવાર આપવામાં આવે છે. ગંભીર હાલતમાં ઓક્સિજન સપોર્ટ અને વેન્ટિલેટરની જરૂર પડી શકે છે. જો સ્થિતિ ગંભીર બને તો દર્દીનું 7થી 10 દિવસમાં મૃત્યુ પણ થઈ શકે છે.

Most Popular

To Top