Sports

ફ્લાઇટમાં વેપ પીતો દેખાયો ચહલ? પેસેન્જરોની જાન સાથે ખિલવાડનો આરોપ લાગ્યો

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ એક નવા વિવાદમાં ફસાયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ચહલ ફ્લાઈટની અંદર ઈ-સિગારેટ એટલે કે વેપ પીતો દેખાઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો પંજાબ કિંગ્સની ટીમના ટ્રાવેલ દરમિયાનનો હોવાનું કહેવાય છે. માહિતી મુજબ, પંજાબ કિંગ્સે પોતાની ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટીમ ટ્રાવેલનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં ચહલ હાથમાં વેપ જેવી વસ્તુ લઈને ધુમાડો કાઢતા જોવા મળ્યા હતા. વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

પંજાબ કિંગ્સની સોશિયલ મીડિયા ટીમે બાદમાં આ વીડિયો ડિલીટ કરી દીધો, પરંતુ ત્યાં સુધીમાં ઘણા લોકોએ તેને ડાઉનલોડ કરીને વાયરલ કરી દીધો હતો. હવે ચહલને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ અને આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લાઈટમાં સ્મોકિંગ અથવા ઈ-સિગારેટનો ઉપયોગ કરવો નિયમોના વિરુદ્ધ માનવામાં આવે છે. આ પ્રકારની હરકત ફ્લાઈટની સુરક્ષા માટે જોખમી બની શકે છે. DGCAના નિયમો મુજબ ફ્લાઈટમાં વેપનો ઉપયોગ કરવો ગંભીર ઉલ્લંઘન ગણાય છે. જો મામલો સત્તાવાર રીતે આગળ વધે તો ચહલ સામે કાર્યવાહી પણ થઈ શકે છે. ચાહકોનું કહેવું છે કે ચહલ જેવા સિનિયર ક્રિકેટર પાસેથી વધુ જવાબદારીની અપેક્ષા રાખવામાં આવે છે.

Most Popular

To Top