Vadodara

વડોદરામાં પ્રદૂષણ સામે VMCનો ‘મિસ્ટ કેનન’ પ્રયોગ સફળ

હવામાં ઉડતી ધૂળને કાબૂમાં લેવા અત્યાધુનિક મશીનનો ડેમો; PM 2.5 અને PM 10 ઘટાડવામાં મળશે મદદ

વડોદરા શહેરમાં વધતા વાયુ પ્રદૂષણ અને રસ્તાઓ પર ઉડતી ધૂળને નિયંત્રિત કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા ‘મિસ્ટ કેનન’ મશીનનો સફળ ડેમો યોજાયો હતો. શહેરના વિકાસકામો અને ભારે ટ્રાફિકને કારણે વધતા ધૂળના પ્રદૂષણ સામે હવે કોર્પોરેશન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે.
આ મશીન હવામાં ઊંચાઈ સુધી પાણીના અતિ સૂક્ષ્મ ટીપાંનો છંટકાવ કરી ધૂળના રજકણો (PM 2.5 અને PM 10)ને જમીન પર બેસાડી દે છે, જેના કારણે હવા વધુ શુદ્ધ બને છે. ટ્રક પર માઉન્ટ કરાયેલું આ મશીન 40થી 50 ફૂટ સુધી પાણીનો ફુવારો ફેંકી શકે છે.
કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં યોજાયેલા ડેમોમાં મશીનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને બાંધકામ વિસ્તારો અને વધુ વાહનવ્યવહાર ધરાવતા માર્ગો પર આ મશીન અસરકારક સાબિત થશે.
ડેમો સફળ રહેતા હવે શહેરના મુખ્ય માર્ગો અને પ્રદૂષણ હોટસ્પોટ વિસ્તારોમાં ‘મિસ્ટ કેનન’નો નિયમિત ઉપયોગ શરૂ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Most Popular

To Top