98 ટકા સાથે હર્ષિતા પવારે વધાર્યું વડોદરાનું ગૌરવ

વડોદરા : યાજ્ઞિક વિદ્યાલયની વિદ્યાર્થીની હર્ષિતા જીતેન્દ્રભાઈ પવારે ધોરણ-10 SSC બોર્ડ પરીક્ષામાં ઉત્તમ સફળતા મેળવી વડોદરા જિલ્લા તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ટોપ ક્રમાંક મેળવી વિદ્યાલયનું નામ રોશન કર્યું છે. હર્ષિતાએ 589 ગુણ સાથે 99.98 PR અને 98 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે.
હર્ષિતાની આ અદભુત સિદ્ધિથી વિદ્યાલય પરિવાર, શિક્ષકગણ તેમજ વાલીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. વિદ્યાલયના સંચાલકો અને શિક્ષકોએ હર્ષિતાને અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
હર્ષિતાએ પોતાની સફળતા અંગે જણાવ્યું હતું કે તબિયત સારી ન હોવા છતાં વિદ્યાલયના શિક્ષકો દ્વારા સતત યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળતું રહ્યું હતું. માતા-પિતાનો વિશ્વાસ અને સહયોગ પણ તેની સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.
વિદ્યાલયના ટ્રસ્ટીશ્રીએ જણાવ્યું હતું કે હર્ષિતાની મહેનત, નિયમિત અભ્યાસ અને શિક્ષકોના માર્ગદર્શનના પરિણામે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તેની સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.
ગુજરાત રાજ્યનું કુલ પરિણામ 83.86 ટકા અને વડોદરા જિલ્લાનું પરિણામ 78.38 ટકા નોંધાયું છે, જ્યારે યાજ્ઞિક વિદ્યાલયનું પરિણામ 99.23 ટકા આવ્યું છે, જે વિદ્યાલયની શૈક્ષણિક ગુણવત્તા અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
અંતે, યાજ્ઞિક વિદ્યાલય પરિવાર દ્વારા હર્ષિતા જીતેન્દ્રભાઈ પવાર તથા તેમના પરિવારને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.