વેજ-નોનવેજ રેસ્ટોરન્ટ્સમાં ગુણવત્તાના નામે મીંડું; મોલમાં પાવભાજી વાસી નીકળતા તંત્રની પોલ ખુલી, હવે સઘન તપાસની ઉઠતી માંગ

વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા હાલમાં વિવાદોના ઘેરામાં છે. શહેરની સામાન્ય લારીઓ અને નાની હોટલોમાં દરોડા પાડી નમૂના લઈ પોતાની પીઠ થપથપાવતી પાલિકાની ટીમ મોટા મોલ્સ, સિનેમા ઘરો અને આલીશાન રેસ્ટોરન્ટ્સ સામે આંખ આડા કાન કરી રહી હોવાની વ્યાપક બૂમ ઉઠી છે. શું મોટા મોલ્સમાં મળતી ખાદ્યસામગ્રી 100% શુદ્ધ છે? કે પછી પાલિકાએ આ બડેબાપોને કોઈ અઘોષિત ‘ક્લીનચીટ’ આપી દીધી છે?
શહેરના જાણીતા મોલ્સમાં આવેલી રેસ્ટોરન્ટ્સમાં પીઝા, બર્ગર અને પાવભાજી જેવી વાનગીઓનું વેચાણ ધૂમ ચાલે છે. અહીં વપરાતું ચીઝ, બટર અને ખાસ કરીને ફ્રોઝન ફૂડ કેટલું શુદ્ધ છે તે તપાસવાની તસ્દી પાલિકા લેતું નથી. આરોપ છે કે, મોલ્સની આ ચળકતી રેસ્ટોરન્ટ્સમાં બે-ત્રણ દિવસ જૂનો વાસી ખોરાક ગરમ કરીને ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે. તાજેતરમાં જ એક પ્રતિષ્ઠિત મોલની રેસ્ટોરન્ટમાં પાવભાજી વાસી હોવાની ફરિયાદ ગ્રાહકે કરી હતી, જેના બદલામાં સંચાલકોએ તુરંત ડીશ બદલી આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સ્પષ્ટ કરે છે કે મોલ્સમાં પણ ખાદ્ય સુરક્ષાના ધજાગરા ઉડી રહ્યા છે.
સામાન્ય લારીવાળા પાસેથી નમૂના લેતી ખોરાક શાખા ક્યારેય આલીશાન મોલ્સમાં વપરાતા ચીઝ કે બટરની ગુણવત્તા તપાસવા કેમ નથી પહોંચતી? સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં મોટા પાયે ડુપ્લીકેટ અને લો-ક્વોલિટીના મટીરિયલનો ઉપયોગ થાય છે. ફ્રોઝન આઈટમ્સને વારંવાર ગરમ કરીને વેચવામાં આવતી હોવાથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે.
જનતામાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે પાલિકાની ટીમ મીડિયામાં દેખાવા માટે નાના લારી-ગલ્લાના નમૂના લે છે, પરંતુ જ્યાં હજારોની ફૂટફોલ છે તેવા મોલ્સ અને મલ્ટીપ્લેક્સમાં ચેકિંગ કરવાના નામે ‘મીંડું’ છે. શું આ મોટા ગજાના વેપારીઓ સાથે ખોરાક શાખાની કોઈ આંતરિક ગોઠવણ છે?
શહેરના મોલ્સમાં કાર્યરત તમામ વેજ અને નોનવેજ રેસ્ટોરન્ટ્સમાં સઘન ચેકિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો પાલિકા ખરેખર નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર હોય, તો તેણે માત્ર નાની લારીઓ પર શૂરવીરતા બતાવવાને બદલે એસી ચેમ્બરોમાં બેસીને વાસી ખોરાક પીરસતા મોટા ખેલાડીઓ પર સકંજો કસવો જોઈએ.
ચળકાટની પાછળનો ‘ગંદો’ ખેલ: લક્ઝરીના નામે રોગચાળો?
મોલ્સના ચળકતા કાચ અને મસ્ત એસીમાં બેસીને જે ખોરાકને તમે ‘હાઈજીનિક’ માનો છો, તેની પાછળનું સત્ય કંઈક અલગ જ હોઈ શકે છે. અંદરના રસોડામાં કયા પ્રકારનું ચીઝ વપરાય છે કે ફ્રીઝરમાં ક્યારની પાવભાજી પડી છે, તેની ગ્રાહકને જાણ હોતી નથી. પાલિકાની ખોરાક શાખા જ્યારે મોટા મોલ્સમાં દરોડા પાડતા અચકાય છે, ત્યારે શંકાની સોય સીધી તંત્ર તરફ જાય છે. વડોદરાવાસીઓ હવે પૂછી રહ્યા છે “સાહેબ, મોલના મોંઘા પ્લેટમાં પીરસાતી પ્લેટના સેમ્પલ લેતા કેમ ડર લાગે છે?”