Entertainment

‘સરકે ચુનર’ વિવાદ: નોરા ફતેહીએ NCW સમક્ષ માફી માગી, કહ્યું- હવે આઇટમ સોન્ગ નહીં કરું

બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી ‘સરકે ચુનર’ નામના આઇટમ સોન્ગને લઈને ઊભા થયેલા વિવાદ બાદ હવે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) સમક્ષ હાજર થઈને લેખિત માફી માંગી છે. આ કેસમાં અગાઉની સુનાવણી દરમિયાન નોરા હાજર ન થતા આયોગે તેને કડક ચેતવણી આપી હતી અને વ્યક્તિગત રીતે હાજર થવાનો આદેશ આપ્યો હતો. હવે અંતે નોરા ખુદ આયોગ સમક્ષ આવી અને પોતાની ભૂલ સ્વીકારી છે. નોરાએ આયોગને ખાતરી આપી છે કે તે ભવિષ્યમાં આવા કોઈપણ આઇટમ સોન્ગમાં કામ નહીં કરે, જેમાંથી સમાજમાં મહિલાઓ અંગે ખોટો સંદેશ જાય. તેણીએ સ્પષ્ટ કહ્યું કે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો તેનો ઈરાદો ક્યારેય નહોતો. સાથે સાથે નોરાએ એક સામાજિક જવાબદારી સ્વીકારતા કેટલાક અનાથ બાળકોના ભણતર અને ખર્ચ ઉઠાવવાની પણ જાહેરાત કરી છે.

આ મામલો ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા અને અભદ્રતાના આરોપોને લઈને ચર્ચામાં આવ્યો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું. આયોગે માન્યું હતું કે ગીતની કેટલીક રજૂઆતો ભારતીય સંસ્કૃતિ અને કાયદાની જોગવાઈઓને ભંગ કરતી જણાઈ રહી છે. જેના કારણે આ કેસમાં સંકળાયેલા કલાકારો અને નિર્માતાઓને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ પહેલા 27 એપ્રિલે યોજાયેલી સુનાવણીમાં અભિનેતા સંજય દત્ત હાજર રહ્યા હતા અને તેમણે પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈને માફી માંગી હતી. સંજય દત્તે વધુમાં 50 આદિવાસી બાળકીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી પણ સ્વીકારી હતી. નોરા તે સમયે હાજર ન હોવાથી આયોગે તેને છેલ્લી તક આપી હતી.

હવે નોરા ફતેહીએ આયોગ સમક્ષ હાજર રહીને માફી માંગતા મામલો શાંત થવાની શક્યતા છે. આ ઘટનાએ ફરી એકવાર મનોરંજન ઉદ્યોગમાં સામાજિક જવાબદારી અને કન્ટેન્ટની મર્યાદા વિશે ચર્ચા શરૂ કરી છે. ખાસ કરીને મહિલાઓને લગતા મુદ્દાઓમાં કલાકારોને વધુ સાવચેત રહેવાની જરૂરિયાત ઉપર ભાર મૂકાયો છે.

Most Popular

To Top