અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને લઈને તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર થવાને કારણે મોટો વિવાદ ઉભો થયો હતો, જેમાં ભારત અને ચીન જેવા દેશો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ થયાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મુદ્દે હવે સ્પષ્ટતા કરવામાં આવી છે અને ટ્રમ્પ તરફથી ભારત અંગે સકારાત્મક નિવેદન સામે આવ્યું છે. અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું છે કે ટ્રમ્પ ભારતને એક મહાન દેશ તરીકે જુએ છે. તેમણે એ પણ ઉમેર્યું કે ભારતનું નેતૃત્વ તેમના એક સારા મિત્રના હાથમાં છે. આ નિવેદનને વિવાદ શાંત કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. હકીકતમાં, ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો જાણીતા રૂઢિવાદી લેખક અને રેડિયો હોસ્ટ માઈકલ સૈવેજનો હતો.
વીડિયોમાં સૈવેજે અમેરિકાની બર્થરાઇટ સિટિઝનશિપ નીતિની કડક ટીકા કરી હતી અને દલીલ કરી હતી કે કેટલાક વિદેશી લોકો આ કાયદાનો ખોટો લાભ લઈ રહ્યા છે. સૈવેજે વીડિયોમાં કહ્યું હતું કે ઘણા લોકો ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં અમેરિકા આવે છે, જેથી તેમના બાળકને જન્મથી જ અમેરિકન નાગરિકતા મળી જાય. આ મુદ્દે પોતાની વાત રાખતાં તેમણે ભારત અને ચીન અંગે વિવાદિત અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે આ વીડિયો ચર્ચામાં આવ્યો.આ સમગ્ર મુદ્દે ભારતના વિદેશ મંત્રાલયે સંયમિત પ્રતિસાદ આપ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધીર જયસવાલે સાપ્તાહિક બ્રીફિંગ દરમિયાન કહ્યું કે તેઓએ આ સંબંધિત રિપોર્ટ્સ જોયા છે, પરંતુ હાલ તેઓ આ મુદ્દે વધુ કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી. આ રીતે ભારત સરકારે આ મુદ્દે શાંતિપૂર્ણ અને રાજનૈતિક વલણ અપનાવ્યું છે. વિડિયોમાં સૈવેજે અમેરિકાની ન્યાય પ્રણાલી અને કેટલીક સંસ્થાઓ પર પણ આકરા નિવેદનો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે કાયદાકીય પ્રક્રિયાના નામે દેશની નીતિઓનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આ મુદ્દે જનમત લેવું જોઈએ. આ વિવાદ વચ્ચે ટ્રમ્પ દ્વારા ભારતની પ્રશંસા કરવામાં આવતા પરિસ્થિતિને શાંત કરવાની કોશિશ તરીકે જોવામાં આવી રહી છે.