જીપીએસ લોકેશન સાથેના વીડિયો પુરાવા ચૂંટણી પંચને સોંપાયા
સાવલી : ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે વડોદરા જિલ્લાના સાવલી મતવિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર વિવાદમાં સપડાયા છે. સાવલી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કેતન ઈનામદાર પર આદર્શ આચારસંહિતાના ભંગનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ, ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય કેતન ઈનામદારે નિર્ધારિત સમય મર્યાદા બાદ પણ જાહેર સભાઓ યોજીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. સામાન્ય રીતે ચૂંટણી પ્રચાર માટે રાત્રે 10 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવતો હોય છે, પરંતુ કેતન ઈનામદારે રાત્રે 11:30 થી 12 વાગ્યા સુધી સભાઓ ચાલુ રાખી હોવાનો આક્ષેપ થયો છે.
આ ફરિયાદને મજબૂત બનાવવા માટે કોંગ્રેસ દ્વારા પુરાવા તરીકે જીપીએસ કેમેરાથી શૂટ કરવામાં આવેલા વીડિયો પણ રજૂ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં સમય અને સ્થળ સ્પષ્ટપણે જોઈ શકાય છે. કોંગ્રેસનો આરોપ છે કે એક સ્થળેથી સભા બંધ કરાવ્યા બાદ અન્ય સ્થળે ફરીથી સભા શરૂ કરવામાં આવી હતી, જે આચારસંહિતાના લીરેલીરા ઉડાવવા સમાન છે.
વિશેષમાં, જે વીડિયો પુરાવા તરીકે રજૂ કરાયો છે તેમાં ખુદ ધારાસભ્ય કેતન ઈનામદાર પોતાની સ્પીચ દરમિયાન સમયનો ઉલ્લેખ કરતા સાંભળવા મળી રહ્યા છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, “તમારો ભાઈ અત્યારે 12 વાગ્યા સુધી આ બધે ફરતો ના હોત”, જે તેમના દ્વારા મોડી રાત્રે પ્રચાર ચાલુ હોવાની વાતને સમર્થન આપે છે.
ચૂંટણી પંચ હવે આ રજૂ કરવામાં આવેલા વીડિયો અને જીપીએસ લોકેશનના આધારે તપાસ કરી શકે છે. જો આ મામલે તથ્ય જણાશે તો ભાજપના ધારાસભ્ય સામે ચૂંટણી લક્ષી નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. સાવલીમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને ભાજપ-કોંગ્રેસ સામસામે આવી ગયા છે.