પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં નોંધાયેલા બમ્પર મતદાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો રાજકીય દાવો કર્યો છે. કોલકાતામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે મતદારોના પ્રતિસાદ પરથી સ્પષ્ટ થાય છે કે હવે બંગાળમાં સત્તા પરિવર્તન થવાનું છે. તેમના શબ્દોમાં, દીદી જઈ રહી છે અને ભાજપ આવી રહી છે. અમિત શાહે કહ્યું કે પહેલા તબક્કાના મતદાનમાં લોકોમાં ઉત્સાહ અને બદલાવની ઈચ્છા સ્પષ્ટ રીતે જોવા મળી છે. તેમણે દાવો કર્યો કે ભાજપ પ્રથમ તબક્કામાં જ 152માંથી 110થી વધુ બેઠકો જીતશે, જે આગામી તબક્કાઓ માટે મજબૂત આધાર બનશે. તેમણે ઉમેર્યું કે આ પરિણામો દર્શાવે છે કે બંગાળની જનતા હવે વિકાસની દિશામાં આગળ વધવા માંગે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્ય આગળ વધશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહે ચૂંટણી પંચ, સુરક્ષા દળો અને સમગ્ર વહીવટી તંત્રની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે ઘણા વર્ષો બાદ બંગાળમાં શાંતિપૂર્ણ અને લગભગ હિંસામુક્ત મતદાન થયું છે. અગાઉની ચૂંટણીના આંકડા આપતાં તેમણે કહ્યું કે 2016, 2021 અને 2023ની ચૂંટણીઓમાં હિંસાની ઘટનાઓ વધુ હતી, જ્યારે આ વખતે ખૂબ ઓછા લોકો ઘાયલ થયા અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અમિત શાહે વધુમાં જણાવ્યું કે મતદાનમાં થયેલો વધારો પરિવર્તનનો સ્પષ્ટ સંકેત છે. તેમણે દાવો કર્યો કે આ વખતની ચૂંટણીમાં લોકો ભયમાંથી બહાર આવીને નિર્ભયતાથી મતદાન કરવા માટે આગળ આવ્યા છે, જે ભાજપ માટે સકારાત્મક સંકેત છે.
મુખ્યમંત્રી અંગે ચાલી રહેલી અફવાઓ પર પણ તેમણે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ભાજપ સત્તામાં આવશે તો બંગાળનો જ એક નેતા મુખ્યમંત્રી બનશે, જે અહીં જન્મેલો, બંગાળી ભાષા જાણતો અને સ્થાનિક સંસ્કૃતિને સમજતો હશે. પહેલા તબક્કાના મતદાન બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે અને તમામ પક્ષો હવે બીજા તબક્કાની તૈયારીમાં લાગી ગયા છે. બંગાળની જનતા અંતે કોને સત્તા સોંપશે તે 4 મેના પરિણામોમાં સ્પષ્ટ થશે.