Gujarat

લોકો જ નહીં પશુ-પક્ષીઓ પણ બને છે હિટસ્ટ્રોકનો શિકાર

રાજકોટ : ગુજરાતમાં અન્ય શહેરોની સરખામણીમાં રાજકોટમાં વધુ ગરમી નોંધાઈ રહી છે. એપ્રિલના છેલ્લા પખવાડીયામાં રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રી આસપાસ નોંધાતો હતો. આકરી ગરમીના કારણે લોકોની માફક પશુ-પંખીઓ પણ હિટસ્ટ્રોકનો શિકાર બનતા હોવાનું સામે આવ્યું છે. આકરી ગરમીના કારણે નાના પશુ-પક્ષીઓ બેભાન થઈ જતા હોવાના કિસ્સા વધ્યા છે. રાજકોટમાં કાર્યરત એનિમલ હોસ્પિટલમાં દરરોડના 100 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. આકરી ગરમીના કારણે પશુ-પંખીના મૃત્યુદરમાં પણ 20 ટકા જેવો વધારો નોંધાયો છે.

રાજકોટના એક વેટરનિટી ડોક્ટરના જણાવ્યા અનુસાર છેલ્લા વર્ષો કરતા આ વર્ષે ગરમીનો પારો ખુબ વધી રહ્યો છે અને તેની અસર પશુ પક્ષીઓ ઉપર પણ જોવા મળી રહી છે. અત્યારે દરરોજ સરેરાશ 100 જેટલા પશુ પક્ષીઓ ડિહાઈડ્રેશન અને હીટસ્ટ્રોકના કારણે અશક્ત અવસ્થામાં મળી આવે છે. જેમાં બપોરના સમયે આકાશમાં ઉડતા પક્ષીઓ અચાનક પાણીની ઉણપને કારણે જમીન પર પટકાતા હોય છે. સાંજ પડતા પડતા ઘરની બાલ્કની, ધાબા કે રસ્તા પર પક્ષીઓને બેભાન અવસ્થામાં જોવા મળતા હોય છે. ખાસ કરીને કબૂતર, ચકલી, પોપટ, કાબર અને હોલા જેવા નાના પક્ષીઓમાં આ પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે એ જ રીતે શ્વાન, સસલું, બિલાડી, અને વાછરડું પણ હીટસ્ટ્રોક અને ડિહાઈડ્રેશનનો ભોગ બને છે. રસ્તા પર રખડતા શ્વાન અને ગાયના શરીરનું તાપમાન પણ 108 ડિગ્રીને પાર જોવા મળતું હોય છે. ગંભીર કિસ્સાઓમાં શ્વાનને બે થી ત્રણ દિવસ સુધી સતત બાટલા ચડાવવાની પણ ફરજ પડે છે. અસહ્ય ગરમીને કારણે હીટસ્ટ્રોકની ઝપટમાં આવેલા પક્ષીઓ પર કોઈની નજર પડે નહીં અને સારવારમાં બે-ત્રણ કલાકનો વિલંબ થઈ જાય તો તે મૃત્યુ પણ પામે છે. હાલ ઉનાળામાં આવા કારણોસર પક્ષીઓનો મૃત્યુદર વધીને 20% સુધી પહોંચી ગયો છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, હાલ જે રીતે ગરમી પડી રહી છે અને આગળ પણ હજુ હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે પાણી અને છાંયડાના અભાવે અબોલ જીવો જીવ ગુમાવી રહ્યા છે માટે લોકોને અપીલ છે કે, ઘરની બહાર કે અગાસી પર પક્ષીઓ માટે પાણીના કુંડા અચૂક રાખવા જોઈએ. શ્વાન માટે છાંયડાની વ્યવસ્થા કરવી જોઈએ અને પૂરતું પાણી ઉપલબ્ધ કરવું જોઈએ જેથી માણસની જેમ પશુ પક્ષીઓ પણ ડીહાઇડ્રેશનની બીમારીથી બચી શકે.

Most Popular

To Top