Vadodara

વડોદરા : પ્રેમ સંબંધ છુપાવવા યુવતીએ રચ્યું હુમલાનું નાટક, પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો

વાઘોડિયા રોડ પર ઝેર પીવડાવ્યાની વાત પોલીસ તપાસમાં ખોટી નીકળી, યુવતીએ ફિનાઈલ પીને નખથી જાતે જ ઉઝરડા કર્યા

વડોદરા તા. 8
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં ૧૯ વર્ષીય યુવતી પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઝેર પીવડાવ્યાની ચકચારભરી ઘટના આખરે પોલીસ તપાસમાં ખોટી સાબિત થઈ છે. પાણીગેટ પોલીસે તપાસ દરમિયાન યુવતીએ પોતે જ હુમલાનું નાટક રચ્યું હોવાનું બહાર આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ યુવતીનો લઘુમતી કોમના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે થયેલી મોબાઈલ ચેટ યુવતીની માતાના ધ્યાનમાં આવી જતા પરિવારમાં તણાવ સર્જાયો હતો. આ વાત પર પડદો નાખવા માટે અને પોતે નિર્દોષ હોવાનું સાબિત કરવા યુવતીએ હુમલાની ખોટી વાર્તા અને નાટક ઊભું કર્યું હતું.
પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસ કરતા સામે આવ્યું છે કે યુવતી ઘરેથી નીકળતી વખતે ફિનાઈલ પી ગઈ હતી. ત્યારબાદ તેણે બજારમાંથી ચાકુ પણ ખરીદ્યું હતું, પરંતુ પોતાને ગંભીર ઈજા પહોંચાડવાની હિંમત ન થતા પેટના ભાગે નખથી ઉઝરડા કરી હુમલો થયાનો દેખાવ કર્યો હતો.
બનાવ બાદ યુવતીને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં તબીબોએ તપાસ કરતાં શરીર પર ચાકુના કોઈ ઘા કે ગંભીર ઈજાના નિશાન ન મળતા શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પાણીગેટ પોલીસે યુવતીની કડક પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન યુવતી ભાંગી પડી હતી અને આખરે તેણે પોતે જ હુમલાનું નાટક રચ્યું હોવાનું કબૂલ્યું હતું. યુવતીના નિવેદન બાદ પોલીસે સમગ્ર ઘટનાની હકીકત બહાર લાવી હતી.

Most Popular

To Top