Gujarat

43 ડિગ્રીમાં રાજકોટ રીતસર શેકાયું

અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી યથાવત્ રહી છે. આજે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું, જેમાં રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. રાજકોટમાં આજે મહત્તમ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ કહયું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના પંજાબ તથા રાજસ્થાન વિસ્તારમાં ઉપરવાસી ચક્રવાતીય પરિસંચરણ યથાવત્ રહ્યું છે. સાથે જ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ નજીકથી દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી ટ્રફ સક્રિય છે. રાજ્ય ઉપર નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.

હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.સાથે જ દરિયાકાંઠાના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં 9 થી 13 મે દરમિયાન ગરમ અને ભેજવાળા પવનોને કારણે ભારે ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, વડોદરા અને સુરત સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં હીટવેવ જેવી પરિસ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

બીજી તરફ આગામી 24 કલાકની અંદર એટલે કે તા.8મી એપ્રિલ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર -કચ્છના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દીવ વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે હવામાન વિભાગે આગામી 8 મે સુધી આકાશ અંશતઃ વાદળછાયું રહેવાની આગાહી કરી છે. શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

શહેર / સ્થળતાપમાન
રાજકોટ43°C
અમરેલી42°C
સુરેન્દ્રનગર41°C
વડોદરા41°C
કંડલા એરપોર્ટ41°C
ભુજ40°C
અમદાવાદ40°C
ગાંધીનગર40°C
વિદ્યાનગર40°C
ભાવનગર38°C
કેશોદ38°C
નલિયા35°C
કંડલા પોર્ટ37°C
મહુવા36°C
સુરત36°C
દમણ36°C
પોરબંદર35°C

Most Popular

To Top