Gujarat

ડીપફેક વીડિયો દ્વારા ઠગાઇ કરતી ગેંગના ત્રણ ઝડપાયા

અમદાવાદ : ડીપફેક ટેક્નોલોજી અને AIનો ઉપયોગ કરીને આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનમાં છેડછાડ કરી બેંક ખાતાં ખોલાવી કરોડોની લોન મેળવી છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના વધુ ત્રણ આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ક્રાઈમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ ટીમે એઆઈ આધારિત ડીપફેક વીડિયો બનાવી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરી OTP વગર મોબાઈલ નંબર બદલાવી બેંક ખાતાં ખોલાવી લોન મેળવતી ગેંગ સામે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઉત્તરપ્રદેશ અને આસામ સુધી ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ થયો હતો.

સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં ક્રિષ્ના રામપ્રતાપ મોતીલાલ પ્રજાપતિ (ઉ.વ. 22, રહે, સીરાસીયા ખોહિયા, ઉત્તરપ્રદેશ) કાજીમુદ્દીન સિરાજ અલી (ઉ.વ. 49, રહે, બોવલગુરી, આસામ) અને રબ્બુલ હુસેન નિઝામુદ્દીન (ઉ.વ. 24, રહે, બોવલગુરી, આસામ)ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં એવી હકીત સામે આવી હતી કે આરોપી ક્રિષ્ના પ્રજાપતિ આધારકાર્ડની માહિતી એકત્ર કરી અગાઉ ઝડપાયેલા આરોપી દીપ ગુપ્તાને પહોંચાડતો હતો. અને તેના બદલામાં કમિશન મેળવતો હતો. જ્યારે આરોપી રબ્બુલ હુસેન પોતાના સાથી ઓલી ઉલા સાથે મળીને વિવિધ વેબસાઈટમાંથી નામના આધારે GST નંબર અને PAN કાર્ડની વિગતો મેળવી CIBIL રેકોર્ડ ચેક કરતો હતો. ત્યારબાદ આધારકાર્ડની માહિતી મેળવી સોશિયલ મીડિયા પરથી ફરિયાદીઓના ફોટા ડાઉનલોડ કરીને AI ટેક્નોલોજીની મદદથી ડીપફેક વીડિયો તૈયાર કરવામાં આવતા હતા.

આ ડેટાના આધારે મોબાઈલ નંબર બદલી અલગ-અલગ બેંકોમાં ખાતાં ખોલાવી પર્સનલ લોન લેવામાં આવતી હતી. આરોપી કાજીમુદ્દીન વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયેલા નાણાં ઉપાડી અન્ય આરોપીઓ સુધી પહોંચાડતો હતો અને તેના બદલામાં કમિશન મેળવતો હતો. ક્રાઈમ બ્રાંચએ સમગ્ર ગેંગના નેટવર્ક તેમજ અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા તપાસ વધુ ગતિમાન બનાવી છે.

Most Popular

To Top