આધુનિક ટેક્નોલોજી અપનાવવામાં આગળ રહેલું સુરત શહેર હવે વધુ હાઇટેક બનવા જઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ શહેરની મોટી સમસ્યાઓ જેવી કે ખાડી પૂર, પાણી ભરાવો, હીટવેવ અને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે પાલિકા કમિશનર એમ. નાગરાજની અધ્યક્ષતામાં ભટાર સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ વર્કશોપ યોજાઈ હતી. આ બેઠકમાં AI આધારિત હાઇટેક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. હાલમાં સામાન્ય રીતે કોઈ કુદરતી આફત આવે ત્યારે તંત્ર ઘટના બન્યા પછી સક્રિય થાય છે, પરંતુ AI ટેક્નોલોજી દ્વારા હવે આગોતરી તૈયારી શક્ય બનશે. AI ભૂતકાળના વરસાદના આંકડા, દરિયાની ભરતી, ખાડીના પાણીનું સ્તર અને હાલના વાતાવરણનું વિશ્લેષણ કરીને ભવિષ્યની સ્થિતિ અંગે સચોટ આગાહી કરશે. સુરતમાં ચોમાસા દરમિયાન ખાડી પૂર અને પાણી ભરાવાની સમસ્યા સૌથી મોટી ગણાય છે. નવી AI સિસ્ટમ દ્વારા હવે એક અઠવાડિયા પહેલા જ જાણ થઈ જશે કે કયા વિસ્તારમાં કેટલું પાણી ભરાઈ શકે છે.

જો શહેરમાં ભારે વરસાદ હોય, ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે અને સાથે દરિયામાં ભરતી હોય તો કયા લો-લાઈંગ વિસ્તારોમાં પાણી ઘૂસી શકે તેની ગણતરી AI કરશે. આથી પાલિકા સમય પહેલા જ પમ્પિંગ મશીનો ગોઠવી શકશે અને જરૂર પડે તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાશે. AI સિસ્ટમ રિયલ-ટાઇમ ડેટા પર કામ કરશે. એટલે કે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ અનુસાર તાત્કાલિક નિર્ણય લેવામાં મદદ મળશે. ઉદાહરણ તરીકે, જો લિંબાયત અથવા વરાછા વિસ્તારમાં ભારે વરસાદ પડે અને અન્ય ઝોનમાં સામાન્ય સ્થિતિ હોય તો AI સૂચન કરશે કે કયા વિસ્તારમાં વધુ સ્ટાફ મોકલવો જોઈએ. આ ડાયનેમિક સ્ટાફિંગથી જે વિસ્તારમાં વધુ મુશ્કેલી છે ત્યાં ઝડપથી મદદ પહોંચી શકશે. માત્ર પૂર જ નહીં પરંતુ શહેરના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે પણ AIનો ઉપયોગ થશે. શહેરમાં વધી રહેલા બાંધકામ અને ટ્રાફિકને કારણે હવાની ગુણવત્તા પર અસર પડી રહી છે. AI કેમેરા અને સેન્સરની મદદથી જાણી શકશે કે કયા કન્સ્ટ્રક્શન સાઇટ પર વધુ ધૂળ ઉડે છે અથવા કયા ટ્રાફિક જંક્શન પર કાર્બન ઉત્સર્જન વધુ છે. આ માહિતીના આધારે પાલિકા સંબંધિત સ્થળો પર કાર્યવાહી કરી શકશે.
જો શહેરમાં હવાની ગુણવત્તા ખૂબ ખરાબ થાય તો AI સિસ્ટમ આપમેળે નજીકની હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોને એલર્ટ મોકલશે, જેથી શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ માટે તૈયારી રાખી શકાય. ગ્લોબલ વોર્મિંગના કારણે સુરતમાં હીટવેવનું જોખમ પણ વધી રહ્યું છે. AI દ્વારા શહેરના સૌથી ગરમ વિસ્તારો એટલે કે ‘હોટ સ્પોટ્સ’નું મેપિંગ કરવામાં આવશે. સાથે જ ઉનાળામાં કયા વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ શકે તેની આગાહી પણ AI કરશે. આથી હાઈડ્રોલિક વિભાગ સમય પહેલા જ ટેન્કરો અને પાણી પુરવઠાની યોજના બનાવી શકશે. અમદાવાદમાં AI આધારિત ડિઝાસ્ટર મેનેજમેન્ટનો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યો હતો. હવે તેની પ્રેરણાથી સુરત મહાનગરપાલિકા પણ મોટા પાયે આ ટેક્નોલોજી લાગુ કરવાની તૈયારીમાં છે. આ માટે નિષ્ણાતોની ટીમ બનાવવામાં આવશે અને જરૂર પડે તો ખાસ એજન્સીઓને ટેન્ડર પણ આપવામાં આવશે. પાલિકાનો વિશ્વાસ છે કે AI ટેક્નોલોજીથી શહેરમાં આપત્તિ વ્યવસ્થાપન વધુ ઝડપી અને અસરકારક બનશે.