Vadodara

સહીમ પઠાણે ગોત્રી ગાર્ડનમાં યુવતી સાથે મારામારી કરી ધમકી આપી

લગ્ન માટે દબાણ કર્યાના આરોપ બાદ યુવતી પર હુમલો, બૂમાબૂમ થતા લોકોએ યુવકને ઝડપી લીધો
ઘટના બાદ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે હિંદુ સંગઠનો એકત્રિત, ગાર્ડનની સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો

વડોદરા, તા.11
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં યુવતી સાથે છેડતી, ધમકી અને મારામારીનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. યુવકે યુવતીને મળવા બોલાવી તેના પર લગ્ન માટે દબાણ કર્યું હોવાના આક્ષેપ થયા છે. યુવતીએ ઇનકાર કરતા મામલો ઉગ્ર બન્યો હતો અને જાહેરમાં જ યુવતી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.

પ્રાથમિક માહિતી મુજબ યુવક અને યુવતી વચ્ચે અગાઉથી ઓળખાણ હોવાની ચર્ચા છે. જોકે બંને વચ્ચેનો સંબંધ શું હતો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપી યુવક તરીકે પઠાણ સહીમ સમીમ ખાનનું નામ સામે આવ્યું છે.

આક્ષેપ મુજબ યુવકે યુવતીને ગોત્રી વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં મળવા માટે બોલાવી હતી. ત્યાં તેણે યુવતી પર પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. યુવતીએ ઇનકાર કરતા યુવકે ઉશ્કેરાઈ જઈ ઝઘડો શરૂ કર્યો હતો અને યુવતી તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું કહેવાઈ રહ્યું છે.
બોલાચાલી બાદ યુવકે જાહેરમાં જ યુવતી સાથે મારામારી કરી હોવાના આક્ષેપો થયા છે. યુવતીએ બૂમાબૂમ કરતા ગાર્ડનમાં હાજર લોકો દોડી આવ્યા હતા અને યુવકને ઝડપી લીધો હતો.
ઘટનાથી ગુસ્સે ભરાયેલા કેટલાક લોકોએ યુવકને માર માર્યો હોવાની પણ માહિતી સામે આવી છે, જેમાં તે ઇજાગ્રસ્ત બન્યો હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા ગોત્રી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
બનાવ બાદ હિંદુ જાગરણ મંચ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. કાર્યકર્તાઓએ શહેરમાં આવી ઘટનાઓ રોકવા માટે કડક કાર્યવાહી કરવાની તેમજ જાહેર બગીચાઓમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠાવી હતી.
જાહેર સ્થળે બનેલી આ ઘટનાને લઈને ગોત્રી ગાર્ડનની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. યુવકના મોબાઇલ ફોન, તેમાં રહેલા ડેટા તેમજ અન્ય દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
હાલ પોલીસે બંને પક્ષના નિવેદનો લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top