India

PM મોદીના WFH સૂચનને ભારતીય પ્રોફેશનલ્સનો ટેકો

Indian professionals support PM Modi’s WFH suggestion

પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન યુદ્ધ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે પ્રધાનમંત્રી Narendra Modi દ્વારા કરાયેલ Work From Home (WFH)ની અપીલને હવે દેશના અનેક પ્રોફેશનલ્સ તરફથી સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા અને કોર્પોરેટ વર્તુળોમાં ઘણા કર્મચારીઓએ કહ્યું કે જો ટેક્નોલોજીની મદદથી ઘરેથી કામ શક્ય હોય, તો માત્ર ઓફિસ જવા માટે પેટ્રોલ-ડીઝલ બાળવાનો કોઈ અર્થ નથી.

PM મોદીએ હૈદરાબાદમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન દેશવાસીઓને ઇંધણ બચાવવા, જાહેર પરિવહનનો ઉપયોગ વધારવા, કારપૂલિંગ કરવા અને શક્ય હોય ત્યાં Work From Home મોડેલ ફરી અપનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન ભારતે સફળતાપૂર્વક ઓનલાઇન મિટિંગ્સ, વર્ચ્યુઅલ કોન્ફરન્સ અને ઘરેથી કામ કરવાની સિસ્ટમ વિકસાવી હતી, જેને હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં ફરીથી અપનાવવી દેશહિતમાં રહેશે.

PM મોદીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. ઘણા IT કર્મચારીઓ, કોર્પોરેટ પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ આ વિચારને યોગ્ય ગણાવ્યો હતો. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે “ફક્ત ઓફિસ જઈને એવા લોકોને મળવા માટે ઈંધણ બાળવાનો કોઈ અર્થ નથી, જેમને આપણે ખાસ મળવા પણ નથી ઈચ્છતા.” આ કોમેન્ટ ઝડપથી વાયરલ બની હતી.

ઘણા પ્રોફેશનલ્સે જણાવ્યું કે કોરોના સમયગાળા દરમિયાન Work From Home મોડેલથી તેમની પ્રોડક્ટિવિટી પર ખાસ અસર પડી નહોતી. ઉલટું, ટ્રાફિકમાં સમય બગાડવો પડતો નહોતો અને પરિવાર સાથે વધુ સમય પસાર કરવાની તક મળતી હતી. ખાસ કરીને બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને ગુરુગ્રામ જેવા શહેરોમાં લાંબા ટ્રાફિક જામથી પરેશાન કર્મચારીઓએ WFHને વ્યવહારુ વિકલ્પ ગણાવ્યો હતો.

કેટલાક કર્મચારીઓએ એવું પણ કહ્યું કે જો અઠવાડિયામાં 2-3 દિવસ ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવે તો ઇંધણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળી શકે છે.પર્યાવરણપ્રેમી જૂથોએ પણ PM મોદીની અપીલને “ગ્રીન અને સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ” તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. જો કે કેટલાક ઉદ્યોગ નિષ્ણાતોએ Work From Homeને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવા અંગે ચિંતાઓ પણ વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે દરેક ક્ષેત્રમાં WFH શક્ય નથી. મેન્યુફેક્ચરિંગ, બેંકિંગ, હોસ્પિટાલિટી અને રિટેલ જેવા ક્ષેત્રોમાં કર્મચારીઓની ફિઝિકલ હાજરી જરૂરી રહે છે. પરંતુ IT, ડિજિટલ સર્વિસ અને કન્સલ્ટિંગ ક્ષેત્રોમાં હાઇબ્રિડ મોડલ વધુ અસરકારક બની શકે છે.

PM મોદીએ પોતાના સંબોધનમાં માત્ર Work From Home જ નહીં, પરંતુ બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા, સોનાની ખરીદી ઘટાડવા, મેટ્રો અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા અને “મેક ઇન ઈન્ડિયા” ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વૈશ્વિક આર્થિક સંકટ વચ્ચે દરેક નાગરિકની જવાબદારી દેશની આર્થિક મજબૂતી સાથે જોડાયેલી છે. રાજકીય અને આર્થિક વર્તુળોમાં PM મોદીની આ અપીલને લઈને ચર્ચા ચાલુ છે, પરંતુ સામાન્ય નોકરીયાત વર્ગમાં ખાસ કરીને Work From Homeના વિચારને સકારાત્મક પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર #WFH, #PMModi અને #WorkFromHome જેવા હેશટેગ પણ ટ્રેન્ડ થયા હતા.

Most Popular

To Top