2 મહિલા, 1 પુરુષ અને 5 વર્ષની બાળકી સહિત ચારના ઘટનાસ્થળે જ મોત, 5 ગંભીર ઇજાગ્રસ્ત
ફતેપુરા નજીક CNG પંપ પાસે સર્જાઈ દુર્ઘટના, ‘અકસ્માત ઝોન’ બોર્ડ ન હોવાને લઈને સ્થાનિકોમાં રોષ
આણંદ : આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં સોમવાર સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. તારાપુરના ફતેપુરા નજીક આવેલા CNG ગેસ સ્ટેશન પાસે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલો ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે જ ચાર લોકોના કરુણ મોત નિપજ્યા હતા.
મૃતકોમાં બે મહિલાઓ, એક પુરુષ તેમજ માત્ર પાંચ વર્ષની માસૂમ બાળકીનો સમાવેશ થાય છે. ઉપરાંત અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે તારાપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ મૃતકો અને ઇજાગ્રસ્તો દાહોદ તરફના શ્રમિકો હોવાનું સામે આવ્યું છે. તેઓ મજૂરી કામ માટે જઈ રહ્યા હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યા હતા.
ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસો અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ફતેપુરા નજીકનો આ વિસ્તાર અકસ્માતપ્રવણ ગણાય છે અને અહીં વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. તેમ છતાં હાઈવે ઓથોરિટી દ્વારા આજદિન સુધી કોઈ “અકસ્માત ઝોન”નું ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યું નથી. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ઘટનાની જાણ થતા તારાપુર પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.