Gujarat

ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નો ધમધમાટ

૩૧ દેશોના ૨૦૦થી વધુ રમતવીરો મહાત્મા મંદિરમાં દેખાડશે તાકાતનો દમ

ગાંધીનગર

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તા. ૧૧થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો ભાગ લેશે, જ્યારે ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજરો પણ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત ૫૦ જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ, ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWF) અને એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (AWF)ના પ્રમુખો અને મહાનુભાવો સહિત કુલ ૫૦ વિશિષ્ટ અતિથિઓ પણ કાર્યક્રમમાં હાજરી આપશે. એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનની એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક કોંગ્રેસની બેઠક પણ ૧૨ મેના રોજ અમદાવાદ ખાતે યોજાશે.ભારત માટે આ એક ગૌરવપૂર્ણ પ્રસંગ માનવામાં આવી રહ્યો છે, કારણ કે ચોથી વખત IWLFને આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન સોંપવામાં આવ્યું છે. અગાઉ પુણે, ગ્રેટર નોઇડા અને અમદાવાદમાં સફળ આયોજન બાદ હવે ગાંધીનગર આ સ્પર્ધાનું યજમાન બન્યું છે.

આ ચેમ્પિયનશિપ કોમનવેલ્થ ગેમ્સ-ગ્લાસગો માટે ક્વોલિફાયર ઇવેન્ટ તરીકે પણ મહત્વ ધરાવે છે. સ્પર્ધામાં ૬ ઓલિમ્પિક મેડલ વિજેતા, ૩૫ વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા અને અનેક એશિયન તથા કોમનવેલ્થ ગેમ્સના મેડલિસ્ટ વેઇટલિફ્ટર્સ ભાગ લેશે.સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ તા. ૧૨ મેના રોજ મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે યોજાશે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિત તેમજ IWF અને AWFના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન IWLFના પ્રમુખ ડૉ. સહદેવ યાદવના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે.

Most Popular

To Top